રેન્જ આઇજીની હાજરીમાં સીટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન : વ્યાજખોરોને બદલે બેન્ક, કો-ઓપ સોસાયટી અને અન્ય સંસ્થામાંથી લોન મળે તે માટે પ્રદર્શન પણ યોજાશે મોરબી : રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા આગામી તા.12 જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરાયું છે. આ જનસંપર્ક સભામાં લોકો મુક્ત મને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી શકશે ઉપરાંત લોકોને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવવાનો બદલે બેન્ક, મંડળી કે અન્ય સરકારી-સહકારી સંસ્થામાંથી લોન-ધિરાણ મળી શકે તે માટે એક પ્રદર્શની પણ યોજવામાં આવશે. મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે આગામી તા.12 જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો ખુલ્લા મને નિર્ભીક બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કર્યું છે અને લોકોને ફરિયાદ કરવા આવવા માટે અનુરોધ કરાયો છે. વધુમાં આ જનસંપર્ક સભામાં પોલીસ તંત્ર દ્વારા લોકોને નાણાકીય જરૂરિયાત માટે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવાને બદલે બેન્ક, કો-ઓપરેટીવ સોસાયટી કે અન્ય માઈક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન-ધિરાણ મળી રહે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ નાણાકીય સંસ્થાઓના પેમ્ફલેટ વિતરણ કરવાની સાથે લોન માર્ગદર્શન અંગે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. ઉપરાંત આ જનસંપર્ક સભામાં કોઈ નાગરિકો ફરિયાદ ન કરી શકે તેમ હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નંબર 02822 243478, મોરબી એલસીબી શાખા પોલીસ ઇન્સ્પેકટર મોબાઈલ નંબર 7567888867 અથવા મોરબી એસઓજી પોલીસ ઇન્સ્પેકટર મોબાઈલ નંબર 9537799888 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.