હળવદ : હળવદ શહેરના ધરતીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પુરુષો છાસવારે શરાબ શબાબની મહેફિલ માંડી અહીં વસવાટ કરતા રહેવાસીઓ માટે ત્રાસદાયક પ્રવૃત્તિ કરતા હોય કંટાળેલા મહિલાઓએ આજે ધીરજ ગુમાવી જનતારેડનું શસ્ત્ર ઉગામતા આ મકાનમાંથી એક મહિલા તેમજ દારૂની બોટલ શોધી કાઢી પોલીસને સોંપી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરનો ધરતીનગર વિસ્તારમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો એકલા પુરુષોને ભાડે આપવામાં આવ્યા હોય અહીં લાંબા સમયથી અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય સ્થાનિક મહિલાઓને સાંજના સમયે વોકિંગમાં નીકળવું મુશ્કેલ બન્યું છે. આવા જ એક કિસ્સામાં ધરતીનગરના ભાડાના મકાનમાં અજાણી મહિલાની એન્ટ્રી થતા સ્થાનિક મહિલાઓ એકત્રિત થઈ હતી અને જનતારેડ કરતા આ ઘરમાંથી દારૂની બોટલ, મહિલા તેમજ પુરુષો મળી આવતા હલ્લાબોલ બાદ 112 જનરક્ષકને બોલાવી મહિલાને સોંપી આપી હતી.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, ધરતીનગરમાં 70થી 80 પરિવાર વસવાટ કરે છે પરંતુ કેટલાક મકાન માલિકોએ પરિવારને બદલે એકલા પુરુષોને જ મકાન ભાડે આપી દીધા હોવાથી એકલા રહેતા પુરુષો દરરોજ દારૂની પાર્ટી કરી અસામાજિક પ્રવૃતિ કરતા હોવાથી મહિલાઓને ધર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ અગાઉ પણ અહીં મહિલાઓએ જનતા રેડ કરી દારૂની મહેફિલ ઝડપી લીધી હોવાનું તેમને જણાવી પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા.આજની ઘટના બાદ મહિલાઓએ ધરતીનગરમાં પરિવાર સાથે રહેતા હોય તેમને જ મકાન ભાડે આપવા માંગ કરી શરાબ શબાબની મહેફિલ માંડનારા વિરુદ્ધ કડક પગલાંની માંગ કરી હતી.