કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી અધિકારીઓની બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ : લાભાર્થીઓને સ્થળ પર કાર્ડ કાઢી આપવામાં આવશે મોરબી : પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન તથા લધુ વ્યાપારી માનધન યોજનાનો શ્રમયોગીઓ વધુને વધુ લાભ મેળવી શકે તે હેતુથી મોરબીમાં ૩૦મી નવેમ્બરના શનિવારના રોજ ટાઉનહોલમાં સવારે ૧૧ કલાકે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શ્રમયોગીઓને સ્થળ પર જ માનધન યોજના અને લઘુ વ્યાપારી માનધન યોજનાના કાર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે માટે સુચારુ વ્યવસ્થા કરવા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. લાભાર્થીઓ કાર્યક્રમના સ્થળે આવીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન તથા લધુ વ્યાપારી માનધન યોજનાનો લાભ લે તે હેતુથી સંબંધીત અધિકારીઓને સુચનાઓ પણ આપવામાં આવી હતી. અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગીઓ જેવા કે, રીક્ષાચાલકો, બાંધકામ શ્રમયોગીઓ, ફેરીયાઓ, ઘરેલુ શ્રમયોગીઓ, આંગણવાડી શ્રમયોગીઓ, મધ્યાન ભોજન શ્રમયોગીઓ, આશા બહેનો, હાથલારી ચલાવવતા શ્રમયોગીઓ, હસ્તકલાના શ્રમયોગીઓ, મોચી, દરજી, સીમાંત ખેડુત સહિત અન્ય ક્ષેત્રના શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીએ કાર્યક્રમના નોડલ અધિકારી આર.કે. દાસવાણી અને એલઆઇસીના અધિકારીઓને વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાનું વિસ્તૃતિકરણ કરી લઘુ વ્યાપારીઓને પણ આ યોજનાનો લાભ આપવાનું નક્કી કર્યું છે. લઘુ વ્યાપારી છુટક વેપાર તેમજ દુકાનદાર હોય સ્વરોજગારી મેળવતો હોય અને તેની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની હોય તે લઘુ વેપારી આ યોજનાનો લાભ લઇ શકે છે. જે વેપારીઓનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા ૧.૫૦ કરોડ અથવા તેનાથી ઓછુ હોય તે પણ આ યોજનાનો લાભ લઇ શકે છે. પેન્શન મેળવવા માટે લાભાર્થીએ ૫૫ થી ૨૦૦ રૂપિયા સુધી માસીક પ્રિમિયમ ભરવાનું હોય છે તેવી માહિતી આ મિટિંગમાં આપવામાં આવી હતી. કાર્યક્રમના આયોજન માટે મળેલી બેઠકમાં નાયબ શ્રમ આયુક્ત ડી.જે. મહેતા, નાયબ કલેક્ટર એચ.જી. પટેલ, સી.ડી.એ.ઓ. ડૉ. જે.એમ. કતીરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર જી.પી. ઝાલા, મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે. જાડેજા, મોરબી શહેર મામલતદાર જી.એચ. રૂપાપરા, હળવદ મામલતદાર વી.કે. સોલંકી, એલઆઇસીના યોગેશ મંડિયા અને એચ.આર. ગામીત, એ.આર.ટી.ઓ., જે.કે. કાપટેલ, મોરબી તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, માળીયા તાલુકા વિકાસ અધિકારી એચ.વી. રાંકજા,નગરપાલિકાઓના ચીફ ઓફિસર સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.