ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ ઉપર યુવાને બેખૌફ બની પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે બાઇક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવ્યો માસ્ક પહેરીને બનાવાયેલ વિડીયો ક્યારે ઉતારાયો તે અંગે સવાલ : પોલીસ તપાસ શરૂ મોરબી : ધૂમ સ્ટાઇલ બાઇક હંકારીને સ્ટંટ કરવાની ઘટનાઓ શાંત મનાતા એવા મોરબીમાં પણ થતી હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર મોરબીના યુવાને ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર વાહનો રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને આ મામલે એ ડિવિઝન પોલીસે સ્ટન્ટ કરનાર બાઈક ચાલકને શોધવા તપાસ શરુ કરી છે. https://youtu.be/g-NJycF7yiA તાજેતરમાં રાજકોટમાં બે યુવાનો રોડ ઉપર પોતાની કાર આડી રાખીને ગીત ગાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં મોરબીના શનાળા રોડ ઉપર પણ એક ધૂમબાઇક ચાલકે વાહન રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ વીડિયો એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર વાયરલ કરાયો છે અને મોરબીના શનાળા રોડ ઉપરનો છે. જેમાં યુવાન પોતાનું ધૂમ બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે. આ દરમિયાન રીક્ષા અને એસટી બસ સહિતના વાહનો બ્રેક લગાવીને ઉભા રહી જાય છે. યુવાનના આ સ્ટંટથી રોડ ઉપર ક્ષણભર ટ્રાફિક પણ સર્જાઈ છે. બાદમાં આ યુવાન બાઇક લઈને જોખમી રીતે કાવા લગાવી ત્યાંથી ફૂલ સ્પીડે ચાલ્યો જાય છે. આ સ્ટંટનો વીડિયો ત્યાં રોડ ઉપરની જ કોઈ દુકાનના ઉપરના માળેથી બીજા વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. બાદમાં આ વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અયાન મિયા નામની આઇડીમાંથી અપલોડ કરવામાં આવ્યો છે. હાલ તો આ યુવાન કોણ છે અને ક્યાં રહે છે. તે કોઈ વિગતો જાહેર થઈ નથી. પણ એ વાત ચોક્કસ છે કે રાજકોટની જેમ જ આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. મોરબીમાં સરાજાહેર ધૂમ સ્ટાઇલ બાઈક હંકારી થયેલા સ્ટન્ટ મામલે એ ડિવિઝન પી.આઇ. બી.પી. સોનારાએ જણાવ્યું હતું કે, આ બાઈક ચાલક કોણ છે અને ક્યારે આ સ્ટન્ટ કર્યા હતા તે અંગે સાયબર સેલની મદદ લેવાની સાથે ડી-સ્ટાફ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.