એસ.યુ.વી. ગાડીમાં આવેલા શખ્સોએ તલવારના ઘા ઝીંક્યા હળવદ : હળવદના દરબાર નાકે કોલેજ પાસે રાત્રીના જમીને ચાલવા નીકળેલા બ્રાહ્મણ યુવાન ઉપર એસ.યુ.વી. ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે સરાજાહેર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદના દરબાર નાકે કોલેજ નજીક જમીને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉપર એસ.યુ.વી. કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે. જ્યાં ભોગ બનનાર પ્રદીપભાઈએ આરોપી મેહુલ રમણિક ગોઠી, પંકજ ચમન ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં, જુના મનદુઃખમાં આ હુમલો થયો હોવાનું અને ઘટના સી.સી.ટી.વી.માં પણ કેદ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.