રોડ-રસ્તા, પાણી, લાઈટ, આરોગ્ય, પોસ્ટલ સુવિધાઓના અભાવે વાડી વિસ્તારના લોકોને પડતી હાલાકી મોરબી : મોરબીની ભાગોળે આવેલા મોટાભાગના વાળી વિસ્તારોમા વર્ષોથી લોકો પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. અનેક રજુઆત કરવા છતાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જેમાં શહેરની ભાગોળે આવેલ 170 જેટલી વાડી વિસ્તારમાં રહેતા 1500થી વધુ લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવથી વર્ષોથી પીડિત છે. આથી, આ વાડી વિસ્તારોમા રોડ-રસ્તા, પાણી, લાઈટ, આરોગ્ય, પોસ્ટલ સુવિધાઓ આપવા માટે પાલિકાના સદસ્ય ભાવેશભાઈ કંઝરીયાએ જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના વાડી વિસ્તારોમા હજુ વિકાસ શુ છે તે દીવો લઈને શોધવા જેવું પડે તેવી સ્થિતિ છે. આજની તારીખે પોસ્ટલ સેવાના ફાંફા છે. 10 ટકાને બાદ કરતાં તમામ વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધાઓનો અભાવ છે. આ વિસ્તારો.પાલિકાની હદમાં હોવા છતાં સીટી સર્વેથી વંચિત છે. મહાવીરનગર અને ગોકુલનગર જેવી સોસાયટીઓમાં મકાનોના દસ્તાવેજ બની શકતા નથી. નગરપાલિકાની હદમાં હોવા છતાં 10 ટકાને બાદ કરતાં તમામ વિસ્તારોમા લાઈટ, પીવાના પાણી, ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા કે કચરાના ગંજની સફાઈ તેમજ કચરો ઉપાડવા પણ કોઈ આવતું નથી. પોતાની જમીનમાં મકાનો બનાવ્યા હોવા છતાં વીજ કનેક્શન મેળવવામાં નાકે દમ આવી જાય છે. તેમજ આવડા મોટા વાડી વિસ્તારમાં વારસાઈ હક્કના પ્રશ્ને પણ લોકોને ભારે હાલાકી પડે છે. આજની તારીખે આ વિસ્તારમાં ધૂળિયા માર્ગો છે. કાચા રસ્તાને કારણે અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડે છે. આથી, ગોકુલનગરના ચોરેથી જીઈબી થઈને કપોરીવાળી પ્રાથમિક શાળા સુધી પાકો માર્ગ બનાવવા, દલવાડી સર્કલ બાયપાસ ચોકડીથી કેનાલના કાંઠે થઈને વાવડી રોડ કબીર આશ્રમ સુધી પાકો રોડ બનવવા, રણછોડનગર થઈ પટેલની વાડીએથી બાયપાસ સુધીનો માર્ગ બનાવવા, મોમ્સ હોટલથી રામજી મંદિર થઈને ગપી, ખેર અને બૂટાની વાળીને જોડતો માર્ગ બનાવવા અને વચ્ચે મોટું નાલુ બનાવવા, ખેગડીની વાડીથી ગંદ્રાની વાડી, ગધઇની વાડી સહિતના વાડી વિસ્તારોને જોડતા માર્ગો બનાવવા તેમજ પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ, પોસ્ટલ સેવા, ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરવાની માંગ કરી છે.