ગુજરાતના 45,000 વીજ કર્મચારીઓ મેદાને: માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકીમોરબી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર વીજળી (સુધારા) બિલ 2025 અને ખાનગીકરણની નીતિ સામે સમગ્ર ગુજરાતના વીજ કર્મચારીઓએ રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ આજે રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના આશરે 45,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓએ જિલ્લા સ્તરે એકઠા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ખાનગીકરણ અને નવી નીતિનો ઉગ્ર વિરોધવીજ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, સરકાર જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે, તો તેની તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવશે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને સંકલન સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે વીજળી ક્ષેત્રનું ખાનગીકરણ ગરીબ ગ્રાહકો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગોના હિતની વિરુદ્ધ છે.કર્મચારીઓની મુખ્ય માંગણીઓ: • વીજળી (સુધારા) બિલ 2025 અને રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 તાત્કાલિક પાછી ખેંચવી. • વીજળી ક્ષેત્રમાં ચાલતી ખાનગીકરણની પ્રક્રિયા રદ કરવી. • વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી. • નિયમિત કાર્યોમાં આઉટસોર્સિંગ બંધ કરી, સીધી ભરતી કરવી અને હાલના આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવા.સમગ્ર રાજ્યમાં આંદોલનની ગુંજઆજે મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યના તમામ જિલ્લા મથકો પર મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંકલન સમિતિના પદાધિકારીઓ બળદેવ એસ. પટેલ અને એચ. જી. વઘાસીયાએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી સમયમાં ઉગ્ર લડત આપવામાં આવશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે. સમિતિએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ હોદ્દેદારો અને સભ્યોનો આભાર માન્યો હતો અને જરૂર પડ્યે આગળ પણ સંગઠિત રહેવા અપીલ કરી છે.