કલેક્ટરને આવેદનપત્ર આપી આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી મોરબી : મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડોકટરો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપર હુમલાના બનાવોને લઇને ડોકટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) દિલ્હી હેડ કવાટર્સના માર્ગદર્શન મુજબ રાષ્ટ્ વ્યાપી વિરોધ પ્રદર્શન હેઠળ મોરબી આઈ.એમ.એ. દ્વારા ડોકટરો તથા આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલાના બનાવો મામલે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બચાવનારને બચાવો કાર્યક્રમ હેઠળ 150 થી 200 જેટલા ડોકટરોએ શાંતિપૂર્વક વિરોધ દર્શાવવા કાળી રીબીન ધારણ કરી આજે સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓની સારવાર કરી હતી. આઈ.એમ.એ. હોલ ખાતે ડોકટરો પર હુમલાના વિરોધમાં પ્લેકાર્ડ, પોસ્ટર-બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપી ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલા અટકાવવા માટે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.