ટંકારા : હાલ ટંકારા તાલુકામાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ ઠેર ઠેરથી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામના લોકોએ પણ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે અને આ મામલે કલેકટર અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે.લજાઈ ગામ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા વધારી રહ્યો છે. હાલ સોલાર પેનલનો લાભ લઇ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઇચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં અનેક શંકાઓ અને ડર છે. વધારે બિલ આવી રહ્યાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. આ અંગ વધુ બીલ આવ્યાની અનેક ફરિયાદ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. ખાનગી કંપનીઓ કામ કરી રહી હોય લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. તેથી આ સ્માર્ટ મીટર હાલ પૂરતા લગાવવા ના જોઈએ. લોકો પણ આ સ્માર્ટ મીટરનો વિવિધ વિરોધ કરી રહ્યા છે ત્યારે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે તે યોગ્ય ન હોય સ્માર્ટ મીટર ફરજિયાત ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ અંગે ટંકારા મામલતદાર પી. એન. ગોરે પણ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત જાણ કરીને ગામના લોકોને રજૂઆતને જણાવી છે.