મોરબી : સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના મોરબી જીલ્લાના મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર, હળવદ તાલુકામાં યોજનાનું ખાનગીકરણ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મધ્યાહન ભોજન કર્મચારી મહાસંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.મોરબી જીલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મહાસંધ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ખાનગી કંપની પારસ એગ્રો સોસાયટી, દિલ્હી દ્વારા પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાનો મોરબી જીલ્લાનાં મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર, હળવદ તાલુકામાં કોન્ટ્રાકટ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે આ ખાનગી કંપની દ્વારા રાજકોટમાં ઉચ્ચ અધિકારી સુધી અનેક ફરીયાદો કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં મધ્યાહન ભોજનનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવતો હોવા છતાં ખાનગી કંપની દ્વારા કરોડો રૂપિયાની દાનની રકમ મેળવવા જીલ્લા વહીવટીતંત્રનો ઉત્તમ ઉપયોગ કર્યો છે. તેવો જ ઉપયોગ હવે મોરબી જીલ્લા વહીવટી તંત્રનો કરવા માંગે છે. આ ઉપરાંત અનેક વખત ખાનગી કંપની વિરુદ્ધ ભોજનની નીચી ગુણવત્તા, ઓછું ભોજન જેવી ફરીયાદો ઉઠી હતી. ખાનગી સંસ્થાને નિયમ વિરૂદ્ધ કોન્ટ્રાક્ટ આપવાનો પ્રયાસ અને નિયમ વિરૂદ્ધ ખાનગી સંસ્થાને કરોડો રૂપિયાના ડોનેશન ઉઘરાવવા માટે વ્યવસ્થા કરવાના મોરબી જીલ્લા વહીવટીતંત્રનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવશે તેમ મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવ્યું હતું.