હાલ તાલુકા પોલીસ મથક હેઠળ 104 ગામો, પ્રજાને દૂરના ગામોથી પૈસા અને સમય ખર્ચી અહીં આવવું પડે છે : પીપળીયા ચાર રસ્તે મોરબી તાલુકા બી ડિવિઝન પોલીસ સ્ટેશન બનાવવાની માંગમોરબી : મોરબી તાલુકા પોલીસ મથકનો વિસ્તાર ઘણો વિશાળ હોય, ત્યારે પ્રજાની સરળતા માટે પીપળીયા ચાર રસ્તે મોરબી તાલુકા બી ડિવિઝન પોલીસ મથક શરૂ કરવા અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથક હેઠળ ૧૦૪ જેટલા ગામો આવે છે. તાલુકા વિસ્તાર અતિ સંવેદનશીલ હોય કામગીરી ઘણી જ રહે છે અને સમયસર ગુનાઓ અને ફરીયાદોનો નિકાલ કરવામાં ઘણો જ સમય લાગે છે. જો પીપળીયા ચાર રસ્તા ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આશરે ૫૦ જેટલો ગામડાને ઓનો લાભ મળે તેમ છે. હાલમાં દુરના એટલે કે આમરણ વિસ્તારના ગામો પણ તાલુકામા સમાવેશ કરેલ છે. જેથી અરજદારો ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મોંઘાદાટ ભાડા ખર્ચીને મોરબી આવવું પડે છે.જો નવલખી આઉટ પોસ્ટ તથા વવાણીયા આઉટ પોસ્ટને સમાવી પીપળીયા ચાર રસ્તા ખાતે પોલીસ સ્ટેશન ખોલવામાં આવે તો માળીયા (મીયાણા)નું પણ કામગીરીનું ભારણ ઓછુ થાય તેમ છે. કારણ કે માળીયા પણ હાઈવે સાથે જોડાયેલ હોય અવાર નવાર અકસ્માત કે ચોરીના બનાવો બને છે. જેથી મોરબી તાલુકાનું બી પોલીસ સ્ટેશન પીપળીયા ચાર રસ્તા પાસે ખોલવુ ઘણુ જ જરૂરી છે. ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પણ ઘટ છે. તેમા પણ અવાર નવાર આવતા બંદોબસ્ત તથા પાયલોટીંગને કારણે પ્રજાને મુશ્કેલી પડે છે તો આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.