મોરબી: મોરબી તાલુકાના બિલિયા ગામના ખેડૂત દ્વારા મોરબીના 16 જેટલા ગામોને ખેતી માટે સિંચાઇનું પાણી પૂરું પાડવા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે CMO દ્વારા મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને યોગ્ય કાર્યવાહી કરવા પત્રથી જાણ કરવામાં આવી છે.મોરબી તાલુકાના બિલિયા ગામના રહેવાસી અનિરુદ્ધ પટેલ દ્વારા ગત તારીખ 04/02/2026 ના રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન અરજી કરી રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબી જિલ્લાના નાની વાવડી, બગથળા, બિલિયા, પંચાસર, માણેકવાડા, અમરાપર, નાગલપર, મોટી વાવડી, મોડપર, કાન્તીપુર, કેરાળી, જીવાપર, હાજનલી, વીરપરડા, કુંતાસી અને રાજપર ગામોને સિંચાઇ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કેનાલ દ્વારા મચ્છુ નદીમાંથી પાણી આપવામાં આવે.અરજીમાં વધુમાં જણાવાયું હતું કે, હાલમાં આ ગામોની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત છે અને સિંચાઈ માટે કૂવા કે બોરમાં ખારું પાણી આવતું હોવાથી કેનાલ જ એકમાત્ર રસ્તો છે. જો આ ગામોને અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન દ્વારા સિંચાઈ માટે કેનાલ બનાવી આપવામાં આવે તો હજારો એકર જમીનમાં ખેડૂતો મબલખ પાક લઈ શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, ત્યારે જો સિંચાઇની સુવિધા મળે તો ખરા અર્થમાં આ વિસ્તારના ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.આ રજૂઆતને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય (જનસંપર્ક) દ્વારા ગત તારીખ 05/03/2026 ના રોજ એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને આ અરજી (ક્રમાંક: WTC/2026/3174) સંદર્ભે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ કરાયેલ કાર્યવાહીની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી જરૂરી જવાબ અપલોડ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Irrigation #FarmersIssue #CMOGujarat #MachhuRiver #Agriculture #GujaratNews