મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને નારણકા ગામથી ખેવાળીયા જવાના રસ્તા ઉ ઉપર જરૂરી નાલા -પુલીયા બનાવવા માટે માંગ કરી છે. સાથે જ રસ્તાની બાજુમાં જ ખેડૂતોએ પોતાના લાભાર્થે બનાવેલા ખેત તળાવડાના કારણે અકસ્માત સર્જાતા હોવાથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, નારણકા ગામથી ખેવાળીયા ગામના રસ્તા પર ગામેરી કુવા પાસે, નારણકા તથા ખેવાળીયા ગામના સીમાડે અને ખેવાળીયા ગામ પાસે નાલા પુલીયા બનાવવાની ખાસ જરૂરિયાત છે. ખાસ કરીને ખેવાળીયા ગામના તળાવ પાસે રસ્તાની બાજુમાં ધોવાણ થયેલું હોય અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે. ઉપરાંત ખેવાળીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતો દ્વારા નારણકા ગામના રસ્તાની એકદમ નજીક ખેત તળાવડા બનાવેલા છે જે અત્યંત ભયજનક છે. જેમાં હાલ ખેવાળીયા ગામે અકસ્માત થતાં બાઇક સવારનું મૃત્યું થયું છે. તેથી આ બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા કલેક્ટરને જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નારણકા ગામથી ખેવાળીયા ગામ સુધી જવાના રસ્તે ત્રણ બેઠા કોઝવે આવેલા છે. જેમાં વધુ વરસાદ વરસે તો લોકો તથા વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બને છે. જો કે, ગ્રામજનો આ અંગે વાકેફ હોવાથી વરસાદી સમયમાં બેઠાણવાળા કોઝવે પરથી પસાર થવાનું ટાળે છે. આ સિવાય ખેવાળીયા ગામના ખેડૂતોએ બરોબર રસ્તાની બાજુમાં જ પોતાના ખેતર માટે પાણીનો સંગ્રહ રહે તે હેતુથી ઉંડાણવાળા ખેત તળાવડા બનાવેલા છે જે અકસ્માતને નોતરે છે. હાલમાં જ વધુ વરસાદના કારણે કોઝવે નજીક ખેત તળાવડામાં ડૂબી જવાથી એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. ત્યારે સરપંચે આ મામલે કલેક્ટરને લેખિત રજૂઆત કરી નિવારણ કરવા માંગ કરી છે.