આમરણના ખેડૂતના એકના એક જુવાનજોધ પુત્રના મૃત્યુથી પરિવારનો આધારસ્તંભ છીનવાયો, માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવીમોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે ડમ્પર ટ્રકના ચાલકે આગળ પાછળ જોયા વગર ટ્રકને સીધો રોડ ઉપર ચડાવી દેતા કારખાનેથી પરત આવી રહેલા મૂળ આમરણ ડાયમંડનગર ગામના વતની યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં યુવાનના મૃત્યુથી પિતાએ પરિવારનો આધારસ્તંભ ગુમાવવાની સાથે માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર ગત તા.25ની ગોઝારી રાત્રે પોતાનું બાઈક લઈ મૂળ આમરણ ડાયમંડનગરના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા સંદીપભાઈ લાલજીભાઈ ગાંભવા ઉ.33 ઘેર જઈ રહ્યા હતા ત્યારે ધરમપુર ગામના પાટિયા પાસે જીજે - 12 - બીઝેડ - 8903 નંબરના ડમ્પર ટ્રકના ચાલકે આગળ પાછળ જોયા વગર પોતાનો ટ્રક રોડ ઉપર લઇ સંદીપભાઈને હડફેટે લઈ પાછળના જોટામા કચડી નાખતા સંદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ડમ્પર ચાલકની બેદરકારીથી મોતને ભેટેલા સંદીપભાઈ બે બહેનોના એકને એક ભાઈ હતા. મૃતકના પિતા લાલજીભાઈ છગનભાઇ ગાંભવા હાલમાં આમરણ ડાયમંડનગર ખાતે રહી ખેતી કરતા હોવાનું તેમજ સંદીપભાઈના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને તેમને એક છ વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં સંદીપભાઈના મૃત્યુથી પરિવારે આધારસ્તંભ ગુમાવી દેવાની સાથે માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા લાલજીભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.