મોરબી : કોરોના વાઇરસને લઈને ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ સામે લડવા પીએમ નરેન્દ્ર મોદીએ સરકારને આર્થિક મદદ કરવા લોકોને અપીલ કરી હતી. આ અપીલને લઈને અનેક લોકો પીએમ રાહત ફંડમાં તેમજ મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં પોતાની યથાશક્તિ રોકડ સહાય ચેક દ્વારા આપી રહ્યા છે. ત્યારે મોરબી નજીકના વાડી વિસ્તારમાં માંગરની વાડીમાં રહેતા વાલજીભાઈ ભવાનભાઈ કણઝારીયા અને તેમના પત્નિ કંચનબેને પીએમ રાહત ફંડમાં 50 હજાર તથા સીએમ રાહત ફંડમાં 11 હજાર રૂપિયાની ધનરશીના ચેક અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દ્રષ્ટિહીન વૃદ્ધ દંપતિ હાલ નિવૃત છે. અગાઉ તેઓ રાશનનો ડેપો ચલાવતા હતા. ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે મેડિકલ કોલેજની જાહેરાત કરી ત્યારે પણ આ દંપતીએ પોતાનાથી બનતી સહાયનો પ્રસ્તાવ મુક્યો હતો. દ્રષ્ટિહીન હોવા છતાં દેશની હાલની પરિસ્થિતિ તેઓ એમના આંતરચક્ષુથી જોઈ શકે છે. આથી જ તેઓએ આ ધનરાશી રાષ્ટ્રને અર્પણ કરી છે. કુલ 61 હજાર રૂપિયાનું તેઓનું આ અનુદાન અન્યોને પણ પ્રેરણા આપે તેવું બની રહ્યું છે.