મોરબી (આલેખન: ડૉ. ભાવેશ જેતપરિયા) : મોરબી ‘બહુરત્ના વસુંધરા’ કહેવાય છે. અહીં અનેક પ્રતિભાવંત વ્યક્તિઓએ પોતાની યશપતાકા લહેરાવી પમરાટ પાથર્યો છે. આ જ ખમીરવંતી ધરતીએ પ્રો. અનિલ કંસારા જેવા અધ્યાપક આપ્યાં છે. તેમનું નામ આજે પણ વિદ્યાર્થીઓના હૈયામાં આદરપૂર્વક જીવંત છે. તેમનો જન્મ તા. 10-6-1942 ના રોજ મોરબીમાં થયો. તેમના પિતાશ્રી વલ્લભદાસ કંસારા અને માતુશ્રી ઝવેરબાના સંસ્કાર તેમને ઘરમાંથી જ મળ્યા. તેમના પરિવારનો પારિવારિક વ્યવસાય ત્રાંબા-પિત્તળના વાસણો, શીટ્સ અને સરકલ્સનું ઉત્પાદન કરવું અને વેપાર કરવાનો છે. જે હાથે ધાતુને આકાર આપ્યો; તે જ હાથે, પાછળથી હજારો વિદ્યાર્થીઓનાં જીવનને પણ ઘડવાનું કામ કર્યું.પ્રો. કંસારાસાહેબ માટે વર્ગખંડ કોઈ સામાન્ય ઓરડો ન્હોતો, તે એક યુનિવર્સિટી હતી. તેમનાં શબ્દોમાં મંત્ર જેવી શક્તિ અને અવાજમાં દીવા જેવો પ્રકાશ હતો; જે અજ્ઞાનનો અંધકાર દૂર કરતો. તેઓ માત્ર પાઠયપુસ્તક પૂરતા સીમિત ન રહેતાં, સાહિત્યનાં પાત્રોને તેઓ શ્વાસ આપતાં અને કવિતાની પંક્તિઓને આંખ આપતાં. કઠીન વ્યાકરણને પણ તેઓ રોજિંદા જીવનના દાખલા સાથે જોડીને, એટલું સરળ બનાવી દેતાં, કે વિદ્યાર્થીને તે પોતાની જ વાત લાગતી. તેમની ભાષામાં વેગ કરતાં વજન વધુ હતું; એટલે જ વિદ્યાર્થીઓ માટે, તેઓ શિક્ષક નહીં પણ, અજ્ઞાનથી જ્ઞાન સુધી અને ભયથી ભરોસા સુધી લઈ જનારા સેતુ બની રહ્યાં.પ્રો. કંસારા સાહેબનાં વ્યક્તિત્વમાં ત્રણ ગુણોનો સુંદર સંગમ જોવા મળે છે. પ્રથમ વિદ્વતા. તેમની પાસે પુસ્તકનું જ્ઞાન તો હતું જ; પરંતુ સાથે લોકસાહિત્ય અને જીવનાનુભવ પણ હતો. બીજી અભિવ્યક્તિ. તેમની વાણી સરળ છતાં સચોટ હતી. ત્રીજી અધ્યાપન નિષ્ઠા. તેમના માટે ભણાવવું કોઈ નોકરી ન્હોતી, તે એક યજ્ઞ હતો. પરિણામ કરતાં સંસ્કારને તેઓ વધુ મહત્ત્વ આપતાં. વર્ગની છેલ્લી બેન્ચ સુધીનો દરેક વિદ્યાર્થી સમજે તેની તેમને ચિંતા રહેતી. આ કારણે જ મોરબીના સાહિત્યવર્તુળમાં એવું કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન શક્ય નથી અને કંસારા વિના મોરબીનું સાહિત્ય અધૂરું છે.પ્રો. કંસારાસાહેબનું આખું જીવન ગુરુમહિમાના શ્લોકને સાર્થક કરે છે. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ તેમણે પારિવારિક વારસા તરીકે મળેલા ત્રાંબા-પિત્તળના વાસણોના ઉદ્યોગને જાળવવાની સાથે, વિદ્યાર્થીઓના મનને સંસ્કારનું પાત્ર બનાવ્યું. આજે તેઓ શરીરે વર્ગમાં ન પણ હોય, પરંતુ તેમનાં શબ્દો, આજે પણ અનેક વર્ગોમાં ગુંજે છે. Brad Henryનું કથન તેમના પર સંપૂર્ણ લાગુ પડે છે કે ‘સારાં શિક્ષક આશા જગાડે છે, કલ્પનાને પાંખ આપે છે અને શીખવાનો પ્રેમ હૃદયમાં રોપે છે.’ સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યને આવા અધ્યાપક મળ્યા તે આપણા બધા માટે ગૌરવની વાત છે. विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम् । पात्रत्वात् धनमाप्नोति धनात् धर्मं ततः सुखम् ॥ તેમનું પ્રાથમિક શિક્ષણ મોરબીની ધી. ગિબ્સન મિડલ સ્કૂલમાં થયું. શાળાનું વાતાવરણ ઉત્તમ હતું, શિક્ષકો સારાં હતાં, પણ બાળમનમાં હજુ કોઈ નક્કર ધ્યેય ન્હોતું. કારણ સ્પષ્ટ હતું. મોટાભાગે પારિવારિક વ્યવસાય સાથે જોડાઈ જવાનું રહેતું. એટલે ભણવું એટલે ભણવા ખાતર ભણવું. સવારે ચોપડા અને સાંજે ત્રાંબા-પિત્તળનાં વાસણોનાં કારખાને. દિવસનો અડધો ભાગ વર્ગખંડમાં અને અડધો ભાગ દુકાનના ઓટલે. આવા આંટાફેરા વચ્ચે જ બાળપણ વીતતું ગયું. પણ માણસ ધારે કંઈક અને ઈશ્વર ધારે કંઈક. એકથી ચાર ધોરણ સરસ્વતી પ્રાથમિક શાળા- મોરબી, પાંચથી સાત ધોરણ ધી. ગિબ્સન મિડલ સ્કૂલ- મોરબી, માધ્યમિક શિક્ષણ માટે મોરબીની ધ. વી.સી. હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો અને અહીંથી જ જીવનનો સાચો વળાંક આવ્યો. આ શાળામાં સમૃદ્ધ, વિદ્વાન અને નિષ્ઠાવાન શિક્ષકો મળ્યા. તેમના સાનિધ્ય, તેમની વાણી અને તેમની મહેનતે સુષુપ્ત પડેલી પ્રતિભાને જગાડી. પહેલીવાર મનમાં લગની જાગી. પહેલીવાર લક્ષ્યનો દીવો પ્રગટ્યો. હવે ભણવું ફરજ નહોતી, જુસ્સો બની ગયો. પરિણામે મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મેળવ્યો. ત્યારબાદ મોરબીની યુ. એન. મહિતા આર્ટસ કોલેજમાં મુખ્ય સંસ્કૃત ગૌણ ગુજરાતી વિષય સાથે પ્રવેશ લીધો. અહીં નિષ્ઠા અને પરિશ્રમનો રંગ એટલો ઘેરો ચડ્યો કે બી.એ.માં ફર્સ્ટક્લાસ સાથે ગોલ્ડ મેડલિસ્ટ બન્યા. ત્યાં અટક્યા નહીં. આગળ અભ્યાસ ચાલુ રાખ્યો અને એમ.એ. શ્રી શામળદાસ આર્ટસ કોલેજ ભાવનગર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં ફર્સ્ટક્લાસ અને યુનિવર્સિટી ફર્સ્ટ આવીને ફરી ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો.આમ સંપૂર્ણ લાયકાત સાથે 1961થી અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ડી. કે. વી. કૉલેજ – જામનગરથી થયો. જે છોકરો એક સમયે માત્ર સમય પસાર કરવા ભણતો હતો, તે જ છોકરો કાળક્રમે હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને ધ્યેય બની ગયો. જે હાથે એક સમયે ધાતુને ટીપીને વાસણ બનાવ્યા એ પરિવારમાં ઉછતા ઉછરતા અભ્યાસમાં આગળ વધવા કમર કસી હતી, તે જ હાથે હવે શબ્દોને ટીપીને માણસ ઘડવાનું કામ શરૂ કર્યું. તેમની સફળતાનો મંત્ર કોઈ જાદુ નહોતો. ધ્યેયની સ્પષ્ટતા, અભ્યાસ પ્રત્યેની લગની, કામ પ્રત્યેની નિષ્ઠા અને દિવસ-રાતની મહેનત. આ ચાર પગથિયાં ચડીને જ તેઓ માટીમાંથી મૂર્તિ સુધી પહોંચ્યા. તેમનું આખું જીવન એક કાવ્ય બની ગયું. જેમાં સંઘર્ષની પંક્તિ હતી, પરિશ્રમનો લય હતો અને સફળતાનો મીઠો અંતરો હતો. તેઓ વર્ગમાં માત્ર પાઠ ન ભણાવતા, જીવન જીવવાની કળા પણ શીખવતા. ‘Education is not the filling of a pail, but the lighting of a fire.’ W. B. Yeatsકૉલેજનાં આંગણામાં માત્ર ચોપડા સાથે જ નહીં, નેતૃત્વ સાથે પણ તેમનો સંબંધ જોડાયો. તેઓ કૉલેજના ‘જનરલ સેક્રેટરી’ બન્યાં અને આ જવાબદારીએ તેમનામાં રહેલી સંગઠન શક્તિને ખીલવી. સ્ટેજ તેમનું મંદિર બન્યું. અભિનયમાં તેઓ પાત્ર બની જતા, અને વક્તૃત્વમાં શબ્દોને મોતીની જેમ પરોવતા. ફંકશનોનું આયોજન હોય કે સભાસંચાલન, દરેક જગ્યાએ તેમની હાજરી એક ઊર્જા લઈને આવતી. અધ્યાપકો સાથે તેમનો શિષ્ય-ગુરુનો સંબંધ અને લાઈબ્રેરી સાથેનો ઘરોબો એટલો ગાઢ હતો કે પુસ્તકો જાણે તેમના મિત્ર બની ગયા હતા. આ બધાની વચ્ચે તેમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ત્રણેય ભાષા પર અદ્ભુત...