પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી પોલીસને જાણ નહીં કરનારાઓ વિરુદ્ધ ઝુંબેશ યથાવત મોરબી : સિરામીક સહિતના ઉદ્યોગોને કારણે મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકો મોટાપ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે બહારથી ગુન્હા આચરી આવેલા કે અહીં ગુન્હો આચરી નાસી જતા ગુન્હેગારોને પકડવામાં સરળતા રહે તે માટે મોરબી જિલ્લા પોલીસતંત્ર દ્વારા એસ્યોર મોરબી એપ્લિકેશનમાં પરપ્રાંતીય શ્રમિકોની નોંધ ફરજીયાત કરી હોવા છતાં અનેક આસામીઓ દ્વારા આવી નોંધ નહીં કરવામાં આવતા મોરબી પોલીસે ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી છે જેમાં ગઈકાલે સ્પા સંચાલક સહીત વધુ નવ આસામીઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. એસ્યોર મોરબી એપ્લિકેશનમાં પરપ્રાંતીય શ્રમિકોની નોંધ ફરજીયાત કરી હોવા છતાં અનેક આસામીઓ દ્વારા આવી નોંધ નહીં કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી લીલાપર રોડ ખડીયાવાસમાં પોતાની માલીકીની ઓરડીઓ પરપ્રાંતીય માણસોને ભાડેથી આપી પોલીસને જાણ નહીં કરનાર વિમલભાઇ નાજાભાઇ ઝાપડા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબી માળીયા હાઇવે રોડ પર વસુંધરા હોટલમાં ઈપણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખનાર ભાર્ગવભાઈ માવજીભાઈ જોષી વિરુદ્ધ તેમજ સર્કિટ હાઉસ પાસે આવેલ એન.આર.થાઇ સ્પાના સંચાલકે મસાજ પાર્લરના સંચાલક વિપુલભાઇ રામઆશ્રય પાંડેએ પોતાની નીચે કામ કરતા સ્ટાફના આઇડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ સમય મર્યાદામાં પોલીસ સ્ટેશને માહિતી આપેલ ન હોય જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે મોરબી તાલુકા પોલીસે વનાડીયા ગામ પાસે આવેલ રવી મીલન સીમેન્ટ પાઇપ નામના કારખાનાના કોન્ટ્રાકર મહેશભાઇ ડાયભાઇ વાઘેલાએ પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન ન કર્યું હોય જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી સાથે જ પટેલ સીમેન્ટ પાઇપ નામના કારખાનામા બહારના મજુર કામે રાખનાર કોન્ટ્રાકટર સોહનભાઇ કેજુભાઇ બારૈયા વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત મોરબી તાલુકાના લીલાપર રોડ યશ પોલીપેક કારખાનામાં કોન્ટ્રાક્ટર ગૌરવ વિરેન્દ્રસિંહ ચૌહાણે મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખેલ ન હોય કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલ એક્વા મલ્ટીપેક કારખાનામા પ્રાગજીભાઇ ડાયાભાઇ કાવરે પરપ્રાંતીય મજુરના આઇ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ ટંકારા-લતીપર રોડ પુલીયાની બાજુમાં આવેલ ભંગારના ડેલે રામલાલ માંગીલાલ ગુર્જર પોતાના ભંગારના ડેલામાં પોતાની નીચે કામ કરતા મજુરના આઇ.ડી પ્રુફ મેળવેલ ન હોઇ ટંકારા પોલીસ દ્વારા જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. ઉપરાંત હળવદ પોલીસ દ્વારા હળવદ જી.આઇ.ડી.સી માં કોન્ટ્રાકટર કાનજીભાઇ ભુપતભાઇ રાઠોડે બહારના મજૂરોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં રજીસ્ટ્રેશન ન કરતા જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.