બુધવારે કફર્યુ દરમિયાન લટાર મારતા એક કારચાલક સહિત આઠ ઝડપાયા મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવાના નામે વેપારીઓ તેમજ રીક્ષાચાલકો સહિત અન્ય ધંધાર્થીઓ ઉપર પોલીસની તવાઈ શમવાનું નામ લેતી ન હોય તેમ આ કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં બુધવારે મોરબી જિલ્લામાં પોલીસે RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા વધુ 9 ધંધાર્થીઓ સામે કાર્યવાહી હતી. તેમજ બુધવારે કફર્યુ દરમિયાન લટાર મારતા એક કારચાલક સહિત આઠ શખ્સોને ઝડપી લેવાયા હતા. મોરબી જિલ્લામાં બુધવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના અલગ અલગ જાહેરનામા ભંગ સબબ કુલ 26 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં રાત્રી કફર્યુ દરમિયાન ખોટી રીતે આંટાફેરા અને લટાર મારવા નીકળેલા એક કારચાલક સહિત 8 લોકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા જુના કપડાની લારીના માલિક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, હળવદમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રિક્ષાનો ધંધો કરતા બે રીક્ષાચાલકો, વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા વાણંદની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, માળીયામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર વેપાર કરતા બે અનાજ કરીયાણાની દુકાનના માલિક તેમજ બે રીક્ષાચાલકો અને ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રિક્ષાનો ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.