ગટર ઉભરાવવાથી રોડ પર ખાડા પડી જતા દરરોજ પડતા-આખળતાં નિર્દોષ નાગરિકો : ચક્કાજામની ચીમકીમોરબી : મોરબી શહેરમાં રસ્તા, ગટર, પાણી નિકાલ સહિતના પ્રશ્ને લોકો અવાર નવાર ચક્કાજામ કરતા હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને આંદોલનનો માર્ગ નહીં અપનાવતા તંત્રને રજુઆત કરવા આગ્રહ કરી રહ્યા છે તો બીજી તરફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યાને લઈ લોકો રજુઆત કરી -કરીને થાક્યા હોવા છતાં સમસ્યા નહીં ઉકેલાતા લોકોએ ફરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે. શહેરની કલેકટર કચેરી પાસે, અયોધ્યાપુરી રોડ, રોહિદાસપરા, માળીયા વનાળીયા સહિતના વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત બન્યા હોવા છતાં કોર્પોરેશન લોક સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી.મોરબી શહેરમાં નગરપાલિકા સમયથી ભૂગર્ભ ઊભરાવવાની સમસ્યા મહાનગર પાલિકા શાસનમાં પણ યથાવત રહી છે. મહાનગર પાલિકામાં હાલમાં દરરોજ સરેરાશ 30 જેટલી ફરિયાદ ભૂગર્ભ ઊભરાવવાની આવી રહી છે. ખાસ કરીને શહેરના નગર દરવાજા, લોહાણાપરા, વિસીપરા, રોહિદાસપરા, નગર દરવાજા, લાતીપ્લોટ, અયોધ્યાપુરી મેઈન રોડ, કાંયાજી પ્લોટ, સામાકાંઠા વિસ્તાર, ફાટકથી માળીયા વનાળીયા સોસાયટી જવાના રસ્તા સહિતના વિસ્તારમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહાનગર પાલિકા બનવા છતાં છેલ્લા દસ મહિનામાં તંત્ર આ ગંભીર સમસ્યા ઉકેલી શકી નથી ઉલટું હાલમાં ગટરના પાણીને કારણે રોડ પર ખાડા પડી ગયા હોવાથી લોકો દરરોજ આવા ખાડામાં ખાબકી રહ્યા છે. સાથે જ ગંદકીને કારણે રોગચાળાનો ખતરો પણ ઘેરો બન્યો છે.રોહીદાસપરાના રહીશે ગટર મુદ્દે આપી આત્મવિલોપનની ચીમકી મોરબીના રોહીદાસપરાના રહીશ દલસુખભાઈ ચૌહાણે ગંદા પાણીના નિકાલ બાબતે અગાઉ બબ્બે વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજુઆત કરી જન આરોગ્ય સાથે થઇ રહેલ ખિલવાડ મુદ્દે 10 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી છે.નહેરુગેઈટ કાપડ બજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાનમોરબીના નહેરુગેઈટ પાસે આવેલી કાપડ બજારમાં છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. વેપારી સુરેશભાઈએ જણાવ્યું હતું કે,સવારે સફાઈ કામદારો સાફ કરીને જાય છે ત્યારબાદ સવારે 8 વાગ્યાની આસપાસ ગટરના પાણી ઉભરાય છે. જ્યારે દુકાનો ખોલવાનો સમય થાય ત્યારે અહીંયા પાણી ભરાયેલા હોય છે અને સાંજે સુકાય જાય છે. દિવસ દરમિયાન ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી ગ્રાહકો પણ આવતા નથી અને વેપાર-ધંધા પર અસર થાય છે.અયોધ્યાપુરી રોડ પર ગટરને કારણે જીવલેણ ખાડોમોરબી શહેરના મુખ્ય ગણાતા અયોધ્યાપુરી રોડ ઉપર ટ્રાફિકની સતત અવર જ્વર રહે છે અહીં એસટીની બસ સહિતના ભારે વાહનો નીકળી રહ્યા છે ત્યારે મચ્છો માતાજીના મંદિર પાસે સતત ઉભરાતી ગટરને કારણે જીવલેણ ખાડો પડી ગયો હોવાથી નાના વાહન અને બાઈક ચાલકો પાણી ભરેલા ખાડામાં જાણતા અજાણતા પડી રહ્યા હોવાથી ઇજા પહોંચી રહી છે. સ્થાનિક રહેવાસી અહેમદભાઈ કટિયાએ જણાવ્યું હતું કે, મસ મોટા ખાડાને કારણે રોજ આઠ દસ લોકો અહીં પડી આખડી રહ્યા છે. આ મુદ્દે અનેક વખત રજુઆત કરી છતાં પગલાં લેવાયા નથી.કોર્પોરેશનની 58 કર્મચારીઓની ટિમ સતત કામ કરે છે : ઈજનેરશહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ ભૂગર્ભ અધિકારી આશિષભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં ભૂગર્ભ સફાઈ માટે બે શિફ્ટમાં કામગીરી કરવા માટે 58 કર્મચારીઓની ટીમ કામે લગાવવામાં આવી છે. સાથે જ મહાનગર પાલિકાને એક માસમાં 1627 ફરિયાદ મળી હતી. જેમાંથી નિકાલ 1537 નો નિકાલ કર્યા નો દાવો કરી દરરોજ સરેરાશ 30 ફરિયાદ મળતી હોવાનું જણાવ્યું હતું. શહેરમાં ભૂગર્ભ સફાઈ માટે બે જેટિંગ મશીન, 5 બકેટ,1 સુપર સકર મશીન કાર્યરત હોવાનું તેમજ ભૂગર્ભ ગટર પ્રશ્ન નિકાલ માટે કોન્ટ્રાક્ટ બેઇઝ કામગીરી માટે પ્રક્રિયા ચાલુ હોવાનું તેમને ઉમેર્યું હતું. હવે કોર્પોરેશન પ્રશ્ન નહીં ઉકેલે તો ચક્કાજામમોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈ હવે લોકોની ધીરજ ખૂટી છે ત્યારે સ્થાનિક રહેવાસી જાવીદભાઈ, મહંમદભાઇ તેમજ ફેમીદાબેને જણાવ્યું હતું કે, નગરપાલિકા સમયથી ગટર સતત છલકાઈ રહી છે. હવે તો અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું હોવાથી મહાનગર પાલિકા જો આ પ્રશ્ન નહીં ઉકેલે તો હવે તો ચક્કાજામ આંદોલન કરવું પડશે.