સફાઈ કર્મીઓએ ઉપરછલ્લી સફાઈ કરીને ચાલતી પકડતા સમસ્યા ઠેરની ઠેર મોરબી : મોરબીના છેવાડાના વાડી વિસ્તારમાં રોડ ઉપર ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે અને રોડ ઉપર ગટરની ગંદકી વહેતી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે આ વિસ્તારમાં સફાઈ કર્મીઓએ ભૂગર્ભ ગટરની ઉપર છલ્લી સફાઈ કરીને ચાલતી પકડતા સમસ્યા ઠેરની ઠેર રહી ગઈ છે. મોરબીના વાવડી રોડ ઉપર સાતનામ ગૌશાળાની બાજુમાં આવેલ ભીલની વાડીના રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી સતત ઓવરફ્લો થાય છે. ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મુકતા આસપાસના ગંદા પાણીના તલાવડા ભરાયા છે અને બેસુમાર ગંદકી ફેલાય રહી છે. આથી, સ્થાનિકો ઉપર રોગચાળોનું જોખમ ઉભું થયું છે. જો કે સફાઈ કર્મીઓ આ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા આવ્યા હતા. પણ સફાઈનું અડધું કામ મૂકીને ચાલતી પકડી હતી. ગટરની યોગ્ય રીતે સફાઈ ન થતા ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા યથાવત રહી છે. જેથી, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.