મોરબી જિલ્લાના 550થી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપીમોરબી : કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી તથા મોરબી જિલ્લા પંચાયતના સહયોગથી તા. 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી “જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા – 2025”ના ઇનામ વિતરણ સમારોહ તા. 12 ઓક્ટોબરના રોજ મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાભરના 550થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી. જેના કારણે સમગ્ર હોલ બાળકોની કલાત્મક ઉર્જાથી જીવંત બની ગયો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયંતીભાઈ રાજકોટિયા (જિલ્લા ભાજપ પ્રમુખ), કિશોરભાઈ શુક્લા (સાર્થક વિદ્યા મંદિરના સંચાલક), નવનીતભાઈ (પ્રમુખ, સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન), તથા કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની અને ટ્રસ્ટના તમામ સદસ્યો તથા ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને વધાવીને તેમને ભાવિ સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની ચિત્રકલા પ્રદર્શિત કરવામાં આવી, જેને સૌએ પ્રશંસા સાથે નિહાળી હતી. આ ઉપરાંત દિવાળી માટેનો નવીન સામાજિક ઉપક્રમે કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગૌરવભાઈ જાનીએ એક મહત્વપૂર્ણ સામાજિક જાહેરાત કરી હતી. જેમાં “આ આવનારી દિવાળી પર કલ્યાણ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘Diwali of Smiles’ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોરબી શહેરના નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાના જૂના કપડાં, રમકડાં અને અન્ય ઉપયોગી વસ્તુઓ સ્વચ્છ રીતે ભેગી રાખી ટ્રસ્ટ સુધી પહોંચાડે. આ વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ પણ આનંદની દિવાળી ઉજવી શકે.” આ પહેલનો મુખ્ય હેતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવું છે. કલ્યાણ ટ્રસ્ટના આ પ્રયાસ દ્વારા મોરબી જિલ્લાના બાળકોમાં કલા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિચારશક્તિને પ્રોત્સાહન મળ્યું છે, તેમજ સમાજસેવાની ભાવનાને પણ નવા પ્રેરક સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે.ટ્રસ્ટના સંચાલક મંડળે જણાવ્યું કે, “આવનારા દિવસોમાં કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આવા વધુ શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે, જેથી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય થઈ શકે.” કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનો, જજમંડળ, શિક્ષકો, વાલીઓ અને સહયોગીઓને હાર્દિક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.