દેશમાં કુલ ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૩૭,૩૦,૦૪૭ શિક્ષકો ખાનગી શાળાઓમાં સેવા આપી રહ્યા છે : શિક્ષકોના કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમોરબી : આજે દેશભરમાં સરકારી શાળાઓની તુલનાએ ખાનગી શાળાઓમાં શિક્ષણ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. જો કે, દેશની ૧૪.૭૨ લાખ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષકો માટે વેતન, પેંશન કે અન્ય કોઈ લાભો આપવામાં આવતા ન હોય દેશભરમાં ફરજ બજાવતા ખાનગી શાળાના શિક્ષકો માટે એક સમાન વેતન, પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોની માંગ કરતી એક મહત્વપૂર્ણ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનને નોટિસ જારી કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ચાર અઠવાડિયાની અંદર આ મુદ્દે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમકોર્ટમાં યુડાઇસના વર્ષ ૨૦૨૩-૨૪ ના સત્તાવાર ડેટા ટાંકીને જણાવવામાં આવ્યું છે કે દેશમાં કુલ ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૯૮ લાખથી વધુ શિક્ષકો કાર્યરત છે, જેમાંથી ૩૭,૩૦,૦૪૭ શિક્ષકો એકલા માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓમાં સેવા આપી રહ્યા છે. ઓલ-ઇન્ડિયા ટીચર્સ ફેડરેશનના રાષ્ટ્રીય સંકલનકર્તા તરફથી વકીલ દિપક પ્રકાશ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ખાનગી શાળાના શિક્ષકોના કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે એક વ્યાપક રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ખાનગી શિક્ષકો પણ બંધારણની કલમ ૨૧એ હેઠળ મહત્વપૂર્ણ જાહેર કાર્ય કરે છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં કોઈ સમાન કાનૂની માળખું ન હોવાને કારણે અલગ-અલગ શાળાઓમાં ફરજ બજાવતા સમાન લાયકાત ધરાવતા શિક્ષકોને અલગ-અલગ વેતન અને સુવિધાઓ મળે છે.ખાનગી શાળાના શિક્ષકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, મોટી સંખ્યામાં ખાનગી શાળાઓના શિક્ષકો પૂરતા પેન્શન લાભો, તબીબી સહાય, વીમા સુરક્ષા કે અપંગતા સહાય વિના જ નિવૃત્ત થઈ જાય છે, જેના કારણે તેમને વૃદ્ધાવસ્થામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અરજીમાં અન્ય શ્રમિક વર્ગો અને પત્રકારોની જેમ ખાનગી શિક્ષકો માટે પણ સરકારી કલ્યાણકારી તંત્ર ઊભું કરવાની હિમાયત કરવામાં આવી છે.મહત્વનું છે કે, દેશભરના લાખો શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી ચાર સપ્તાહ બાદ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ પાસેથી લાખેણી ફી વસુલ કરતા શાળા સંચાલકો શિક્ષકોનું રીતસરનું શોષણ કરતા હોય હવે મામલો સુપ્રીમકોર્ટમાં જતા શિક્ષકોને ન્યાયની આશા જાગી છે.