મોરબી: મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે હત્યાના ગુનામાં જેલમાં રહેલો અને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા કાચા કામના કેદીને ઝડપીને ફરી જેલ હવાલે કર્યો છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર નંબર ૧૦૧૦/૨૦૨૪ (સેશન્સ કેસ નં-૮૩/૨૦૨૪) મુજબ આઈ.પી.સી. કલમ ૩૦૨ (હત્યા), ૩૨૬ અને જી.પી. એક્ટ ૧૩૫ના ગુનામાં સંડોવાયેલ આરોપી મયુરભાઈ હરખજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત (રહે. જેતપર, તા. જિ. મોરબી) મોરબી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. આ આરોપી ગત તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. તેને ૭ દિવસની રજા મંજૂર થઈ હોવાથી તા. ૧૦/૦૨/૨૦૨૬ના રોજ પરત મોરબી સબ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, નિયત તારીખે હાજર થવાને બદલે આરોપી ફરાર થઈ ગયો હતો.દરમિયાન, મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ આરોપી મોરબી-૨ વિસ્તારમાં મચ્છુ નદીમાં આવેલા પાડાપુલ નીચે છુપાયેલ છે. આ બાતમીના આધારે પોલીસે આરોપી મયુરભાઈને ઝડપી લીધો હતો અને તેને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ જે.પી. કણસાગરા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.