મોરબી : કોરોના મહામારી સામેની લડાઈમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે તંત્ર તરફથી સોંપવામાં આવેલી તમામ કામગીરી પ્રાથમિક શિક્ષકો બખૂબી નિભાવી રહ્યા છે. હાલ ફેલાઈ રહેલી કોરોનાની મહામારીમાં પ્રાથમિક શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી છે. પોતાની સ્વાસ્થ્યની પરવા કર્યા વિના કોરોનટાઈન કરેલ નાગરિકોનો નિયમિત રીતે સંપર્ક કરવામાં શિક્ષકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એમડીએમની અવેજીમાં આપવામા આવતી ગ્રાન્ટની ત્વરિત ચુકવણી કરવામાં આવી રહી છે. જેમાં ખૂટતી રકમની પણ સત્વરે પુરક માંગણી કરવામાં આવી છે, જેથી કોઈ બાળક લાભથી વંચીત ના રહે. અનાજ વિતરણની કુપનની વહેંચણીનુ કામ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બાળકોના ધરે ઘરે જઈ કુપનનું વિતરણ કરાઈ રહ્યું છે. કેટલીક શાળાઓમાં શાળા કક્ષાએથી જ મળવાપાત્ર અનાજનું વિતરણ બાળકોના હિતમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ ટંકારા તાલુકાની શાળાઓ જેવી કે ગણેશપર, વિરવાવ, આંબેડકરનગર, શકતીનગર પ્રાથમિક શાળાના શિક્ષકો પુરી સંખ્યામાં શાળા કક્ષાએથી ઉપસ્થિત રહી માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા તમામ શિક્ષકોનો મયુર પારેખે (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મોરબી) આભાર વ્યક્ત કર્યો છે.