20 કિલોમીટર દૂરથી આવતા 100 જેટલા શિક્ષકોને હાલાકી: અન્ય કેડરના કર્મચારીઓને કામગીરી સોંપવા માંગમોરબી: મોરબીમાં આગામી વસ્તી ગણતરીની તાલીમનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે શિક્ષકોને ગમે ત્યારે અને રાત્રે પણ ઓર્ડર મળતા હોવાથી તેઓ ભારે અસમંજસમાં મુકાયા છે. ખાસ કરીને મોરબી શહેરથી 20 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા 100 જેટલા શિક્ષકોના ઓર્ડર શહેરી વિસ્તારમાં વસ્તી ગણતરી માટે કરવામાં આવ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને શહેરી વિસ્તારની ગણતરીમાંથી મુક્તિ આપવા માટે આજે મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ડેપ્યુટી કમિશનર અને ઈનચાર્જ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને શહેરી વિસ્તારની કામગીરી સોંપાતા વિરોધમોરબી શહેરથી 20 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ફરજ બજાવતા 100 જેટલા શિક્ષકોના ઓર્ડર શહેરી વિસ્તારમાં વસ્તી ગણતરી માટે કરવામાં આવ્યા છે. દરરોજ 20 કિલોમીટર દૂર આવા-જવાના કારણે શિક્ષકોને ટીએ-ડીએ સહિતની અનેક વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.શાળાના શૈક્ષણિક કાર્ય પર અસર પડવાની ભીતિમોટાભાગની વસ્તી ગણતરીની કામગીરી શિક્ષકોને સોંપી દેવામાં આવી છે. આગામી સમયમાં જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન બનશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ કામગીરીનો બીજો તબક્કો શરૂ થશે ત્યારે પણ આ જ શિક્ષકોને ફરજ બજાવવાની હોવાથી બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડશે.અન્ય કેડરના કર્મચારીઓનો ઉપયોગ કરવા ડેપ્યુટી કમિશનરને રજૂઆતપ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ડેપ્યુટી કમિશનર અને વસ્તી ગણતરીના ઇન્ચાર્જ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે અગાઉ ઓનલાઈન એન્ટ્રીની કામગીરી વખતે અન્ય કેડરના 250 જેટલા કર્મચારીઓ મળી રહ્યા હતા, તેથી વસ્તી ગણતરીમાં પણ શહેરી વિસ્તારના અન્ય કેડરના કે છૂટી ગયેલા કર્મચારીઓને પહેલા સામેલ કરવા જોઈએ.શિક્ષક સંઘ દ્વારા સહીઓ સાથે યાદી સોંપી મુક્તિની માંગમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાંથી સીટી એરિયામાં ઓર્ડર કરાયા હોય તેવા 100 જેટલા શિક્ષકોની સહીઓ સાથેની યાદી તંત્રને આપવામાં આવી છે. આ એક રાષ્ટ્રીય કામગીરી હોવાથી શિક્ષકો ફરજ બજાવવા તૈયાર છે, પરંતુ જો તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ શિક્ષકોને મુક્તિ આપે અથવા રિઝર્વમાં રાખે તો તેઓ માનસિક તણાવ વગર પોતાની મૂળ શૈક્ષણિક ફરજ બજાવી શકશે.#Morbi #MorbiUpdate #Census2027 #MorbiTeachers #MorbiNews #EducationDepartment