હળવદ તાલુકા સેવાસદન ખાતે મળેલી સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હળવદ : હળવદ તાલુકા સેવાસદન ખાતે સંકલનની બેઠક મળી હતી.જેમાં હળવદ-ધાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ પાણી,આરોગ્ય,રોડ રસ્તા,એસટી બસ રૂટ તેમજ વિસ્તારમાં થતી ચોરી અટકાવવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. હળવદ સેવા સદન ખાતે મળેલી સંકલન બેઠકમાં પરસોતભાઈ સાબરીયાએ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ને સુચના આપતા હળવદ થી સિટી ધાંગધ્રા અમદાવાદ હાઈવેનું તાત્કાલિક ધોરણે પેચ વર્ક તેમજ પેવર પટાનું કામ કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત ચુપણી ગામે ગામ પાદરમાં તૂટી ગયેલ નાળુ તાત્કાલિક મરામત કરાવવા જણાવ્યું હતું. ધારાસભ્ય સાબરીયાએ માર્ગ અને મકાન વિભાગને સૂચનો આપતા માથક-સુંદરી ભવાની રોડ, સુર્યનગર થી પાંડાતીરથ રોડ, ઈશ્વરનગર થી ચરાડવા રોડ, મયુરનગર થી ધુળકોટ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી અને જંગલ કટીંગ કરાવવા સૂચનો આપ્યા હતા.આ ઉપરાંત હળવદ થી ઇગોરાળાના રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવા કહ્યું હતું.પલાસણ થી ગોલાસણ રોડ વચ્ચે અધુરો રોડ અડધો કિલોમીટર જંગલમાં આવેલ છે તે બનાવવા ફોરેસ્ટ વિભાગને મંજૂરી માટે સૂચન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગોલાસણ થી હળવદ મોરબી હાઇવે સુધી તૂટી ગયેલા રોડનું તાત્કાલિક સમારકામ કરાવવું અને સરંભડા થી હળવદ મોરબી હાઇવે સુધી,ભલગામડા થી પલાસણ,માણેકવાડા થી માથક સુધી તાત્કાલિક રોડનું મરામત કરાવી અને જંગલ કટીંગ કરાવવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત માથક,સુંદરી ભવાની ગામેં રોડ થી મહાવિરનગર સુધીનો રોડ બનાવવા દરખાસ્ત કરવા પણ કહ્યું હતું. આ ઉપરાંત મયુરનગર, કૃષ્ણનગર,નવા ધનાળા,સુરવદર, પ્રતાપગઢ,ધુળકોટ,કડીયાણા દેવીપુજક વિસ્તાર,હળવદ શહેરી વિસ્તાર શ્રીજીનગર સોસાયટીમાં પાણીના પ્રશ્ન અંગે સૂચનો આપ્યા હતા. જ્યારે મામલતદાર કચેરીમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી અને એસ.ટી. વિભાગની જે બસો સરા ચોકડીથી બાયપાસથી પસાર થાય છે તે હળવદ બસ સ્ટેન્ડથી પસાર થાય તે માટે એસ.ટી. વિભાગને જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ પોલીસ વિભાગને ચોરીના બનાવો અટકે તે માટે જરૂરી કાર્યવાહી કરી રાત્રિ પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી.