હું તો બાવો છું, અહીં બેસીને માંગીને ખાઈ લઈશ... મને કંઈ દુઃખ નથી, હું તો રાજી થયો હવે મારે મહેનત ઓછી : બચુબાપા મોરબી : મોરબીમાં આજે મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આ રોડ ઉપર આવેલ બચુબાપાની રાહત દરે ચાલતા સદાવ્રતની જગ્યા પણ ખાલી કરાવવામાં આવી રહ્યું છે.બચુબાપા તાજેતરમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ છેલ્લા 41 વર્ષથી લોકોને ટોકન દરે ભોજન કરાવી રહ્યા છે. 73 વર્ષના બચુબાપા સ્ટેશન રોડ ઉપર કેબિન જેવા ભોજનાલયમાં જ રહે છે અને ત્યાં જ જાતે જમવાનું બનાવીને દરરોજ બપોરે ગ્રાહકોને પીરસે છે. આજ રોજ મહાનગરપાલિકાએ તેની ખાસ ડ્રાઇવમાં અનેક ઓટા, છાપરા, કેબીનો, બોર્ડ જેવા દબાણો હટાવ્યા છે. આ દરમિયાન બચુબાપાના ભોજનાલયને પણ ખાલી કરાવવામાં આવી રહ્યું છે. આ અંગે બચુબાપાએ જણાવ્યું કે 'મને કાનાભાઈએ કહ્યું કે અંદરની બાજુ જગ્યા આપીશ. જો આપે તો ભલે નહિતર હું બાવો છું. અહીં બેસીને માંગીને ખાઈ લઈશ. મેં તો આ લોકોને કહ્યુ જેસીબી મારી દયો. પણ મારતા નથી. હું તો રાજી થાવ છું. હવે મારે મહેનત ઓછી. હું જાતે બંધ કરું તો લોકો કહે બાપાએ બંધ કર્યું.'જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા બચું બાપાની મઢુલી સહિતના રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરીને દરેક દબાણો દૂર કરવામાં આવશે એવો સંદેશ આપ્યો હતો.