ગઈકાલે શનાળા રોડ ઉપરથી 100થી વધુ દબાણો હટાવ્યા બાદ આજે સ્ટેશન રોડનો વારો લેવાયો : અનેક લોકોએ સ્વેચ્છાએ જ છાપરા-બોર્ડ હટાવી લીધામોરબી : મોરબીમાં ગઈકાલે શનાળા રોડ ઉપર દબાણ હટાવ્યા બાદ મહાપાલિકાની ટીમ દ્વારા આજે સતત બીજા દિવસે સ્ટેશન રોડ ઉપર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે અમુક વેપારીઓ આ ઝુંબેશથી વાકેફ હોય સ્વેચ્છાએ બોર્ડ અને છાપરા હટાવવા લાગ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આજે સ્ટેશન રોડ ઉપર મહાનગરપાલિકાની ટીમ જેસીબી લઈને પહોંચી હતી. કોઈપણ આગોતરી જાણ વગર જે ઓટા, છાપરા, બોર્ડ રોડ ઉપર જોવા મળ્યા તેને જેસીબીની મદદ થી તોડી પાડવામાં આવી રહ્યા છે. વધુમાં અમુક વેપારીએ તો નુકસાન ન થાય તે માટે બોર્ડ અને છાપરા સ્વૈચ્છિક રીતે હટાવી લેવાનું શરૂ કર્યું છે..મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પણ શનાળા રોડ ઉપર 100થી વધુ દબાણો હટાવ્યા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ વન વિક વન રોડ ઝુંબેશ શરૂ કરવાના સંકેતો આપ્યા હતા. પણ હાલ તો મહાપાલિકા વન ડે વન રોડ ઝુંબેશ ચલાવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.