15 દિવસમાં સમસ્યાનું સમાધાન કરવાનું અલ્ટીમેટમ આપતા કોંગ્રેસ નેતાટંકારા : ટંકારાની શ્રી મહર્ષિ દયાનંદ સોસાયટીમાં રોડ, વરસાદી પાણીનો નિકાલ, સફાઈ અને સ્ટ્રીટલાઈટ બાબતે આજ રોજ ટંકારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.રહીશોના જણાવ્યા પ્રમાણે 45 વર્ષથી શ્રી મહર્ષિ દયાનંદ સોસાયટીમાં પાયાની સુવિધા મળી નથી. 25 વર્ષ પહેલા બનેલો સિમેન્ટ રોડ ઉખડી ગયો છે. 2 શેરીના નવા રોડ બન્યા છે પરંતુ 3 શેરીના રોડ બનાવવાનું બાકી છે. જ્યાં નવા રોડ બન્યા છે ત્યાં ગટરના ઢાંકણા નાખવાના બાકી છે અને અમુક ઢાંકણા રોડથી નીચા છે તો નવા ઢાંકણા નાખવામાં આવે અને ઢાંકણા ઉંચા ઉપાડવામાં આવે. ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ નથી થતો. સોસાયટીમાં પાણી ભરાયેલા રહે છે. જેથી ચોમાસા પહેલા મોટી પાઈપલાઈન નાખવામાં આવે જેથી પાણીનો યોગ્ય નિકાલ થાય. સોસાયટીમાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે તે સત્વરે ચાલુ કરાવવામાં આવે. સોસાયટીમાં સફાઈ કામદાર નિયમિત ન આવતા હોવાની પણ ફરિયાદ કરાઈ છે.રજૂઆત વખતે કોંગ્રેસના અગ્રણી નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશભાઈ રાજકોટિયાએ નગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. મહર્ષિ દયાનંદ સોસાયટીની આ તમામ સમસ્યાઓને ઉકેલવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો ઉકેલ નહીં આવે તો તાળાબંધી કરી પ્રજાને પડતી હાલાકી માટે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી પાલિકાના વહીવટદાર અને ટંકારા મામલતદારે તાકીદે ચીફ ઓફિસર સાથે વાત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી. આ તકે જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ વેરા બિલના કમરતોડ પૈસા સામે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન કરાવી શકનાર પ્રશાસન સામે બળાપો ઠાલવ્યો હતો.