પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો સહિતના પ્રશ્નો હલ કરવા માગમોરબી : મોરબીના ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહીશોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને સુવિધાઓ પૂરી પાડવા માગ કરી છે.રહીશોએ જણાવ્યું છે કે, તેઓ બાપદાદાના સમયથી ખાતેદાર ખેડૂતો છે અને રહેણાંક વિસ્તાર મોરબી શહેરના ગીતા ઓઇલ મીલની બાજુમાં પંચાસર રોડ ઉપર આવેલ ભૂંભરની વાડી વિસ્તાર તરીકે ઓળખાય છે. બધા ખેડૂતો જુદા જુદા સર્વે નંબર વાળી ખેતીની જમીનનો ઉતરોતર વારસદારોની રુએ વર્ષોથી વાડી વિસ્તારમાં રહીએ છીએ. આ વાડી વિસ્તારમાં આશરે 70 કુટુંબો એટલે કે 350 થી વધારે લોકો વસવાટ કરે છે. ભૂંભરની વાડી વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે તા.15/07/2025 ને મંગળવારના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાણીની જ્યુડિસી પાઈપલાઈન બાકી છે તે નાખવામાં આવે, સ્ટ્રીટલાઈટ નાખવામાં આવે, છલકાતી ભુગર્ભ ગટરનો પ્રશ્ન હલ કરવામાં આવે, રોડ રસ્તા હજુ સુધી બન્યા નથી તે ઝડપથી બનાવવામાં આવે, મહાનગરપાલિકા દ્વારા હવે પછી વાડી વિસ્તારમાં ફરીથી આકરણી કરીને સુવિધા આપવામાં આવે તો અમો બધા સુવિધા બાદ ઘરવેરો ભરવા માટે સહમત છીએ, કચરો લેવા ટ્રેક્ટર મોકલવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જે બાદ કમિશનરે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.