મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરાનો ઉપયોગ શરૂ થયો ન હોય આ અંગે અન્ને અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને રેન બસેરા ચાલુ કરવા માગ કરી છે.કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરાનો હેતુ રખડતા-ભડકતાં ગરીબ લોકો આશરો લઈ શકે તે હતો. પરંતુ બે વર્ષથી આ રેન બસેરા જેમ ને તેમ સ્થિતિમાં છે. કરોડો રૂપિયાની આ મિલકત ઉપયોગ વગરની બીન જરૂરી પડી છે. તો આ જગ્યાનો ઉપયોગ થાય તે માટે કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને આપવામાં આવે તો આ રેન બસેરાનો હેતુ સિદ્ધ થશે. અથવા આ મિલકતને મોરબી નગરપાલિકા હસ્તક હોય સાથે ધર્મશાળા તરીકે ઉપયોગ કરવામાં આવે તો રેલવે સ્ટેશને આવતા મુસાફરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજાને આનો ઉપયોગ કરવા મળે. તેથી જો આ રેન બસેરાને ચાલુ કરવામાં આવે તો સરકારે કરેલો ખર્ચનો પ્રજાને લાભ મળે અને મિલકતની જાળવણી થાય. તેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માગ કરવામાં આવી છે.