આસપાસના દુકાનદારો અને ઓફિસના માલિકો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં કરાઈ રજુઆત મોરબી : મોરબીના રંગપર ગામમાં વેન્ટો સીરામીકની સામે શ્રીરામ ચેમ્બર્સની છત ઉપર ગેરકાયદેસર રીતે જોખમકારક હોર્ડિંગ્સ મુકવામાં આવ્યાની રજૂઆત સાથે લોકોના જીવ જોખમમાં મુકતા આ હોર્ડિંગ્સ લગાવવા અટકાવવા માટે આસપાસના દુકાનદારો અને ઓફિસના માલિકો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રંગપરમાં પીપળી-જેતપર રોડ ખાતે આવેલ વેન્ટો સીરામીક સામે આવેલ શ્રીરામ ચેમ્બર્સના ત્રીજા માળે છત ઉપર મન ફાવે તેમ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. અગાઉ 2024માં વાવાઝોડાની આગાહીના પગલે આ હોર્ડિંગ્સ ઉતારવાના હતા પરંતુ તેમના દ્વારા સતર્કતા દાખવવામાં ન આવતા ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ધારકોને મોટા પાયે નુકસાન થયું હતું. જેમાં પતરા ઉડી જવા તેમજ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.