બિસ્માર રસ્તા અંગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ શરૂ કરવા આદેશ આપવા જાગૃત નાગરિકની માંગ મોરબી: મોરબીથી રાજકોટને જોડતો નવલખી બ્રિજથી આગળનો માર્ગ ભારે વરસાદને કારણે અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે અંગે મોરબીના જાગૃત નાગરિક મેહુલ ગાંભવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આ માર્ગના તાત્કાલિક સમારકામની રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ચોમાસાના ધોધમાર વરસાદને કારણે આ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો છે. આ સ્થિતિ વાહનચાલકો માટે જોખમી બની છે અને અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના પરિણામે લોકોને ઈજાઓ પણ થઈ રહી છે.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ માર્ગોના સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં, મોરબી-રાજકોટ માર્ગ પર હજુ સુધી કોઈ પણ પ્રકારની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી. તેમણે મુખ્યમંત્રીને આ મામલે વ્યક્તિગત ધ્યાન આપી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ શરૂ કરવા આદેશ આપવા રજૂઆત કરી છે, જેથી લોકોની હાલાકીનો અંત આવે.