ગુનાખોરીને ડામવા મોરબીમાં કડક પોલીસ અધિકારીની નિમણુક કરવા માંગ મોરબી: મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે મોરબીમાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોવાનું અને ગુનાખોરી બેફામ બની હોવાનું જણાવ્યું છે.પોલીસ માત્ર પ્રેક્ષક બની તમાશો જુએ છે: મહેશ રાજ્યગુરુમુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીમાં દિન-પ્રતિદિન નાની નાની વાતોમાં હથિયારો સાથે ખુલ્લેઆમ મારામારીના બનાવો બની રહ્યા છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને પોલીસ આવા બનાવોમાં માત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જોતી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. વ્યાજખોરો પણ બેફામ બન્યા છે, જેના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. તેમજ સ્થાનિક સ્તરે નબળી નેતાગીરી અને હપ્તાખોરીને કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સામાન્ય લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ગભરાઈ રહ્યા છે.કડક અધિકારીની નિમણૂક કરવા માંગમહેશ રાજ્યગુરુએ અંતમાં માંગ કરી છે કે ગુજરાત સરકાર મોરબીની જનતાના રક્ષણ માટે તાત્કાલિક અસરથી નિષ્પક્ષ અને કડક પોલીસ અધિકારીઓની નિમણૂક કરે, જેથી ગુંડાતત્વોનો સફાયો કરી શકાય.