મોરબી: મોરબીથી ટંકારા તરફના ફોરલેન હાઇવેની ખરાબ હાલત અંગે ટંકારાના રહેવાસી હસમુખભાઈ ગઢવી (હરીપાર્ક, વીરપર મચ્છુ) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભારે ચોમાસામાં રોડ ધોવાઈ જવાથી ઠેર-ઠેર ગાબડાં અને ખાડા પડ્યા હોવાથી તાત્કાલિક રીપેરિંગ અને રીસરફેસિંગની માંગણી કરવામાં આવી છે.રજૂઆત મુજબ, મોરબી-ટંકારા ફોરલેન રોડ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. રોડની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. વળી, રોડ પર ખાડા અને ગાબડાંને લીધે વારંવાર ટ્રાફિક જામ થાય છે અને ગંભીર અકસ્માતો થવાની શક્યતા વધી ગઈ છે.આ રોડ માત્ર સામાન્ય વાહન વ્યવહાર માટે જ નહીં, પરંતુ નજીકના ગામડાઓમાંથી રોજી-રોટી મેળવવા મોરબી અપ-ડાઉન કરતા ખેત મજૂરો, સિનિયર અને મહિલાઓ માટે પણ ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત, નાલંદા, નવયુગ, એલીટ અને ડી.પી.એસ. જેવી શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ જ માર્ગ પરથી દરરોજ અપ-ડાઉન કરે છે. તેમની સલામતી અને સુચારુ વાહન વ્યવહાર માટે રોડનું તાત્કાલિક રીપેરિંગ જરૂરી છે. હસમુખભાઈ ગઢવીએ પ્રજાજનોની મુશ્કેલી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે રોડનું લેવલિંગ, ખાડા પૂરવા અને ફરીથી ડામરના નવા લેયરથી રીસરફેસિંગનું કામ હાથ ધરવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે.