સિરામિક નગરીમાં ઔદ્યોગિક વિકાસ માટે આગામી 20 વર્ષના વિઝન સાથે ગ્રાન્ટ ફાળવવા અપીલ: ટંકારાના મયુર હાલપરા દ્વારા CMને લેખિત અરજીમોરબી: ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક શહેર મોરબીના સર્વાંગી અને આયોજનબદ્ધ વિકાસ માટે વિશેષ કેસ હેઠળ ₹2000 કરોડનું સ્પેશિયલ વિકાસ પેકેજ ફાળવવા અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની મયુર વશરામભાઈ હાલપરા દ્વારા આ અંગે વિસ્તૃત પત્ર પાઠવીને મોરબીના નાગરિકો અને ઉદ્યોગજગતની પાયાની સમસ્યાઓ તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી સિરામિક, સેનિટરીવેર, ઘડિયાળ, વોલ ટાઇલ્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સ સહિતના ઉદ્યોગો થકી રાજ્યના અર્થતંત્રમાં હજારો કરોડ રૂપિયાનું યોગદાન આપે છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. છેલ્લા 20 વર્ષમાં રોજગાર અર્થે વસેલી વસ્તી અને શહેરી વિસ્તરણને કારણે મોરબીનો વ્યાપ ખૂબ ઝડપથી વધ્યો છે. જોકે, ઝડપી ઔદ્યોગિક વિકાસની સરખામણીએ પ્રાથમિક નાગરિક સુવિધાઓનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. મોરબી મહાનગરપાલિકા પાસે મર્યાદિત નાણાકીય સંસાધનો અને માનવબળ હોવાના કારણે સતત વધતી જરૂરિયાતોને પહોંચી વળવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.ઉપરાંત, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, આધુનિક સીટી બસ ટર્મિનલ, આંતરિક રોડ, નવા ઓવરબ્રિજ અને અન્ડરપાસ, નદી કિનારાનો વિકાસ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, ઇ. સેવાઓ, સોલાર આધારિત જાહેર લાઇટિંગ, આધુનિક ફાયર અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, ગ્રીન ઝોન, અર્બન ફોરેસ્ટ, જાહેર લાઇબ્રેરીની મર્યાદિત વ્યવસ્થા, સાંસ્કૃતિક કેન્દ્રો અને સર્વસમાવેશક જાહેર સુવિધાઓ જેવી યોજનાઓની પણ તાત્કાલિક જરૂરિયાત છે.હાલમાં શહેરમાં જર્જરિત અને ખાડાયુક્ત રસ્તાઓ, અપૂરતી ભૂગર્ભ ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલનો અભાવ, ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ, સ્ટ્રીટ લાઇટની અછત, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો અભાવ તેમજ કચરાના નિકાલની મર્યાદિત વ્યવસ્થા જેવી પાયાની સમસ્યાઓથી સ્થાનિકો પરેશાન છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો, બગીચાઓ અને રમતગમત સંકુલોની અછતને કારણે નાગરિકો અને શાસનતંત્ર વચ્ચે વારંવાર અસંતોષની સ્થિતિ સર્જાય છે.મોરબીના વર્તમાન તેમજ આગામી 20 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિશેષ કેસ હેઠળ ₹2000 કરોડનું વિશેષ વિકાસ પેકેજ મંજૂર કરવા માંગ કરાઈ છે. આ રકમમાંથી આધુનિક માર્ગ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, 24x7 શુદ્ધ પીવાનું પાણી, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, ઓવરબ્રિજ, અન્ડરપાસ, આધુનિક સીટી બસ ટર્મિનલ, ફાયર ઇમરજન્સી સિસ્ટમ, સોલાર લાઇટિંગ, ગ્રીન ઝોન અને ડિજિટલ નાગરિક સેવાઓ જેવા માળખાકીય વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા રજૂઆતના અંતે અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Tankara #GujaratCM #MorbiDevelopment #MorbiNews #GujaratNews