ટંકારા : ટંકારાના પટેલ નગર-1 શેરી નંબર 4 ના રહેવાસી જયદીપભાઈ નિમાવત દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને તેઓના વિસ્તારમાં પાણીના અપૂરતા પુરવઠા અને ગેરકાયદેસર કનેક્શનની સમસ્યા અંગે ફરીથી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે અગાઉ મે મહિનામાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોય ફરીથી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, પટેલ નગર વિસ્તારમાં પાણીનો પુરવઠો હજુ પણ અનિયમિત આવે છે અને અઠવાડિયામાં માત્ર બે વખત જ પાણી આપવામાં આવે છે. તે પણ રાત્રિના સમયે અપાય છે જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત સોસાયટીમાં અમૂક લોકો મોટર મૂકીને પાણી ખેંચતા હોય છે અને ગેરકાયદેસર કનેક્શન પણ હજુ ચાલી રહ્યા છે. જેથી અન્ય રહેવાસીઓને પૂરતું પાણી મળતું નથી. તેથી આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.