મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં વિવિધ જગ્યાએ લાગેલા મોટા મોટા જાહેરાતના હોર્ડિંગ તાત્કાલિક ધોરણે દૂર કરવા રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, શનાળા રોડ, નવા જૂના બસ સ્ટેન્ડ પાસે, સામા કાંઠા વિસ્તારમાં, મયુર પુલ ઉપર, વીસી ફાટકના ઢાળ પાસે, મુખ્ય બજારમાં, રવાપર રોડ, વાવડી રોડ, મેઈન હાઈવે ઉપર મોટા જાહેરાતના જે હોર્ડિંગ લાગેલા છે તે તમામ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. વરસાદ કે વાવાઝોડા સમયે આ હોર્ડિંગ જો પડે તો નિર્દોષ લોકોને જાનહાની પહોંચી શકે છે અને વાહનોને પણ નુકસાન થઈ શકે છે. તેથી જો આવી કોઈ ઘટના બને તો તેની જવાબદાર મોરબી નગરપાલિકા ગણાશે અને પાલિકા સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. તેથી આવા જોખમી હોર્ડિંગ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. કલેકટરે પણ આ બાબતે નગરપાલિકાને સ્પષ્ટ સૂચના આપી છે તેથી તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં થાય તો આમ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.