મોરબી : મોરબી શહેરમાં દેશની આન-બાન-શાન ત્રિરંગાનું થતું અપમાન તાત્કાલિક અટકાવવા અંગે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા તારીખ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફ્લેગ કોડ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેના કારણે આ અભિયાન સન્માનની જગ્યાએ અપમાનમાં બદલી રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે મોરબીમાં અપમાન જનક સ્થિતિમાં લાગેલા તિરંગાઓને ફ્લેગ કોડ નિયમ મુજબ લગાવવા વિનંતી કરવામાં આવી છે. તેમજ જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.