સ્પેશિયલ જીઆઇડીસીમાં રોડ-રસ્તા તૈયાર : 50 હજાર લઈ 500 ચોમીથી 615 પ્લોટનું આયોજન : સરકાર કિંમત નક્કી કરે તેની જોવાતી રાહમોરબી : ગુજરાત સરકારે 2020માં મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને 2023માં મોરબીના જાંબુડિયા-પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર જગ્યામાં સ્પેશિયલ જીઆઇડીસીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ વિશાળ જગ્યામાં હાલમાં 100 કરોડથી વધુના ખર્ચે ડેવલોપમેન્ટ કાર્ય પૂર્ણતાના આરે છે. અહીં સીરામીક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમજ અન્ય ઉદ્યોગોને લાયક 50 હજારથી લઈને 500 ચોરસ મીટરના અલગ અલગ કુલ 615 પ્લોટો રાખવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જીઆઈડીસીના પ્લોટોની વેચાણ કિંમત નક્કી થઇ ન હોય હાલમાં સરકાર કિંમત નક્કી કરે ત્યાર બાદ પ્લોટની હરરાજી કરવામાં આવશે.વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગ ઝોનમાં ગુજરાત સરકાર દ્વારા મોરબીના જાંબુડિયા અને પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર વિશાળ જગ્યામાં સ્પેશિયલ જીઆઈડીસી 2022માં મંજુર કરવાં આવી હતી. અને 21-08-2023થી જાંબુડિયા-પાનેલી જીઆઇડીસીનું ડેવલોપમેન્ટ કામ પણ 100 કરોડથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવી આવ્યું હતું. જેમાં હાલમાં રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ સહિતની કામગીરી પૂર્ણતાને આરે છે અને હવે સ્ટ્રીટલાઇટના પોલ ઉભા કરવાની કામગીરી ચાલુ હોવાનું જીઆઈડીસીના સૂત્રો જણાવી રહ્યા છે.જાંબુડિયા -પાનેલી જીઆઇડીસી અંગે જીઆઈડીસીના અધિકારી સુરેશ રાણા સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, મોરબીના પાનેલી ગામની સીમમાં કુલ 435 હેકટર જગ્યામાં આ ખાસ જીઆઇડીસીમાં કુલ 615 પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 50 હજારથી લઈને 500 ચોરસ મીટરના નાના-મોટા પ્લોટ રાખવામાં આવ્યા છે. જીઆઈડીસીમાં સીરામીક અને મોટી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં લઈ 50 હજાર ચોરસ મીટરના વિશાળ પ્લોટ પણ રાખવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જાંબુડિયા-પાનેલી જીઆઈડીસીમાં પ્લોટની કિંમત નક્કી થઇ ન હોવાનું અને સરકારના મહેસુલ વિભાગમાં જીઆઈડીસીના પ્લોટની કિંમત નક્કી કરવા બાબતની કાર્યવાહી પ્રોસેસમાં છે. જેમાં કિંમત નક્કી થયા બાદ પ્લોટની હરરાજીની જાહેરાત કરવામાં આવશે તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.