પ્રિ-સ્કૂલ નોંધણીના નિયમોમાં ફેરફારની માગ સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કરાશેમોરબી : ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે મોરબીમાં પ્રિ-સ્કૂલ સંચાલકો આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.મોરબીના કિન્ડરુ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કેરના અપેક્ષા દવેએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 50 હજાર જેટલી પ્રિ-સ્કૂલ આવેલી છે. ત્યારે સરકાર દ્વારા પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને આવતીકાલે 3 ડિસેમ્બરે મોરબીમાં પ્રિ-સ્કૂલ સંચાલકો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરશે. જેના માટે 3 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે એકઠા થઈને શાંતિપૂર્ણ રીતે આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે વિરોધ નોંધાવશે.મહત્વનું છે કે, પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં ફેરફાર કરવાની સંચાલકો માગ કરી રહ્યા છે. સંચાલકોનું કહેવું છે કે, આ નિયમોમાં બિલ્ડિંગ પરમિટ, ભાડા કરાર અને ટ્રસ્ટ નોંધણી જેવા મુદ્દાઓ સામેલ છે. જેને લઈને પ્રિ-સ્કૂલ સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ નિયમો પ્રમાણે ઘણા સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં. જેના લીધે ઘણી પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે તેમ છે. જેના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે અને ઘણા લોકોની રોજગારી પર પણ અસર પડશે. તેથી સંચાલકોની માગ છે કે, ભાડાના કરાર અંગેના નિયમોમાં સરળતા આપવામાં આવે, પ્રોપરાઈટરશિપ અથવા ભાગીદારીના ઓપ્શનને પણ મંજૂરી આપવામાં આવે.