મોરબી : મોરબીમાં બેલા-ભરતનગર રોડ પર આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ધાર્મિક મહીમા ધરાવતી પ્રાચીન જગ્યા અને સમર્થ સદગુરુ કેશવાનંદ બાપુની તપસ્થળી છે. જ્યાં મોરબી વિસ્તારનું મોટું અદભુત તીર્થધામ બનવા જઈ રહ્યું છે અનેક વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર એવા આ ધામના નૂતન દેવાલયમાં ભગવાનની મૂર્તિઓની સ્થાપના માટે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. વર્તમાન કોરોનાના સમયમાં માત્ર યજમાન અને સિમિત વિદ્વાન બ્રાહ્મણદેવતાઓની ઉપસ્થિતિમાં આ મહોત્સવ સંપન્ન થશે. નિર્માણાધીન મંદિરમાં ગણપતિજી મહારાજ, ગુરુદેવ દત્તાત્રય, હનુમાનજી મહારાજ, રઘુનાથ દરબાર, દ્વારકાધીશ-રુક્ષ્મણી માતા, ગાયત્રી માતા, સરસ્વતી માતા, મહાકાળી માતા, અષ્ટભુજા દુર્ગા માતા તથા શિવ પરિવારની સ્થાપના ધાર્મિક વેદોક્ત વિધિથી સંપન્ન થશે. વધુમાં, આશ્રમના પ્રાંગણમાં જ 22 ફૂટના જમીનથી ઊંચા પ્લેટફોર્મ પર, 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા પૂર્ણ થવાના આરે છે. જે પ્રતિમાના છાતીના ભાગથી કમરના ભાગ સુધીમાં અબજો રામનામ સ્થાપિત થશે. અત્રેના જ પટાંગણમાં છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા બ્રહ્મર્ષિ કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના નવા આવાસ તથા ગુરુકુળમાં સંતો-મહંતો પ્રવેશ કરીને સરસ્વતી અર્ચન કરશે. સાથે સાથે નિવૃત્ત વડીલો નિવાસ કરી શકે એ માટે સાધનાવન (વાનપ્રસ્થાશ્રમ)નું ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સિમિત શ્રોતાગણની ઉપસ્થિતિમાં વિદુષી કનકેશ્વરીદેવીજી વ્યાસપીઠસ્થાનેથી રામકથાનું રસપાન કરાવશે. જેનો ભાવિકો 'લક્ષ્ય' ગુજરાતી ધાર્મિક ચેનલ પર ઘેર બેઠા લાભ લઈ શકશે. અગાઉ આ મહોત્સવ સુવિખ્યાત, વિશિષ્ટ સંતો-મહંતો, વિશેષ ગણમાન્ય અતિથિઓ, મહેમાનો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર હતો,જે મહોત્સવની તૈયારી ખૂબ લાંબા સમયથી ચાલી રહેલ હતી. પરંતુ વર્તમાન કોરોનાનો સમય એ માટે પરવાનગી આપતો નથી. આથી, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં આયોજિત તમામ રાત્રી કાર્યક્રમો મોકૂફ રાખેલ છે.