ગઈકાલે સવારથી રેઢી હાલતમાં ડેમ નજીક બાઈક પડયું હોય તપાસ કરાતા મૃતદેહ મળ્યો મોરબી : મોરબી આરટીઓ કચેરી નજીક મચ્છુ - 3 ડેમમાં અગમ્ય કારણોસર ઝંપલાવી વીજ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી દાખલ કરી બનાવ અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી બાયપાસ ઉપર આરટીઓ નજીક ગઈકાલે મચ્છુ -૩ ડેમના પુલ ઉપર સવારથી એક બાઈક રેઢું પડ્યું હોય આજુબાજુના જાગૃત નાગરિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ કરતા ડેમમાંથી રાજેશભાઇ ઓધવજીભાઈ વામજાનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુમાં મૃતક વીજ કર્મચારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ દાખલ કરી મૃત્યુનું કારણ જાણવા ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.