મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં વીજતંત્રની ઘોર બેદરકારી અને અણઆવડતના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી અને રિપેરિંગના બહાને દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં કલાકો સુધી પાવર કાપ ઝીંકવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા મેન્ટેનન્સના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે વીજતંત્રના આ તમામ દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. શહેરમાં છાશવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.સૌથી વધુ આક્રોશ એ વાતનો છે કે કલાકો સુધી પાવર ગુલ રહ્યા બાદ જ્યારે પરેશાન નાગરિકો ફરિયાદ નોંધાવવા માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કમ્પ્લેન નંબર પર ફોન કરે છે, ત્યારે કોઈ ફોન રિસીવ કરવાની તસ્દી પણ લેતું નથી. જવાબદાર અધિકારીઓ ફોન ન ઉપાડીને ગ્રાહકોની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજા પરસેવે રેબઝેબ થઈ રહી છે અને વીજતંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયું છે.લોકોને અવિરત વીજળી મળવી જોઈએ તે તેમનો અધિકાર છે. પ્રજા જ્યારે આટલી મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે સત્તાધારી રાજકીય નેતાઓ અને વિપક્ષે પણ માત્ર નિવેદનો આપવાને બદલે હવે મેદાનમાં આવીને લોકોનો અવાજ બનવાની જરૂર છે. આ ગંભીર બાબતે મોરબી કલેક્ટરે તાત્કાલિક દખલગીરી કરીને વીજતંત્રના જવાબદાર અધિકારીઓને બોલાવીને તેમનો ઉધડો લેવો જોઈએ. જો વહેલી તકે લોકોને 24 કલાક નિયમિત વીજ પુરવઠો નહીં મળે અને તંત્રની કામગીરીમાં સુધારો નહીં આવે, તો આવનારા દિવસોમાં લોકોનો રોષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેમાં કોઈ બેમત નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #ElectricityIssue #MorbiCollector #MorbiCity