ટંકારા : ટંકારા શહેરમાં ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. શહેરમાં વરસાદના માત્ર બે-ચાર છાંટા પડતાં જ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રાન્સફોર્મરોની આસપાસ જંગલી ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કોઈ ફોલ્ટ સર્જાય અથવા ડીયો બળી જાય તો સમારકામની કામગીરીમાં ભારે મુશ્કેલી પડી શકે તેવી સ્થિતિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરની આસપાસ વધેલી વનસ્પતિને કારણે સલામતીના પ્રશ્નો પણ ઉભા થયા છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વીજતારોના ઝુમખાં લટકતા જોવા મળી રહ્યા છે. પવનના કારણે તાર એકબીજા સાથે અથડાતાં સ્પાર્કિંગ થવાની ઘટનાઓ બનતી હોવાનું રહીશોનું કહેવું છે. જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.લો-વોલ્ટેજની સમસ્યા પણ ટંકારાવાસીઓ માટે માથાનો દુખાવો બની છે. અપૂરતા વોલ્ટેજને કારણે ઘરગથ્થુ તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ આવી સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે તેની અસર જોવા મળતી નથી. હવે શહેરવાસીઓએ લટકતા તાર, વારંવાર ગુલ થતી વીજળી અને લો-વોલ્ટેજ જેવી સમસ્યાઓના કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ ટંકારાની જનતાની આ વ્યથા સાંભળશે કે પછી ચોમાસા દરમિયાન પણ શહેર અંધારપટનો સામનો કરતું રહેશે.