રવિવારે જ 6 કલાક પાવર ગુલ થતાં વડીલો અને બાળકો અસહ્ય ગરમીમાં અટવાયા; PGVCLને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતમોરબી : મોરબી સામાકાંઠે આવેલા રામકૃષ્ણ નગર સોસાયટી અને ગોપાલ ફીડર વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી PGVCL ની ગંભીર બેદરકારીનો સામનો કરી રહ્યા છે. ચોમાસા પૂર્વે કરવામાં આવતી કામગીરી એટલે કે 'પ્રિ-મોન્સુન મેન્ટેનન્સ' ના નામે સ્થાનિક કચેરી દ્વારા ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર વારંવાર લાંબા સમય સુધી વીજળી કાપી નાખવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.સ્થાનિક રહીશ નરેન્દ્ર દિનેશભાઈ ગોહેલ દ્વારા PGVCLને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તેમના વિસ્તારમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી એટલે કે સળંગ 6 કલાક સુધી પાવર બંધ રાખવામાં આવે છે. એક અઠવાડિયામાં 2 વખત અને ખાસ કરીને રવિવારના દિવસે જ આવો લાંબો વીજકાપ ઝીંકવામાં આવતો હોવાથી નોકરીયાત વર્ગ અને શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કોઈ પ્રેસ નોટ કે જાણ વગર પાવર કાપી નાખવાને કારણે અસહ્ય ગરમીમાં ઘરડા વડીલો અને નાના બાળકોની હાલત કફોડી બની રહી છે, પાણી ભરવા જેવી પ્રાથમિક જરૂરિયાતો ખોરવાઈ જાય છે અને લોકોના રોજિંદા ઘરકામ તેમજ વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓના કામ અટકી પડે છે.નિયમ મુજબ જો આટલો લાંબો પાવર કટ કરવાનો હોય, તો ગ્રાહકોને SMS અથવા મીડિયા દ્વારા અગાઉથી જાણ કરવી અનિવાર્ય છે, જેનું અહીં સ્પષ્ટ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ મેન્ટેનન્સની કામગીરી ગ્રાહકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે પ્લાન કરવામાં આવે. તેમજ કોઈપણ પાવર કટ પહેલાં ગ્રાહકોને સ્થાનિક વોટ્સએપ ગ્રુપ, SMS કે પ્રેસ નોટ દ્વારા અગાઉથી ફરજિયાત જાણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #PGVCL #PowerCut #MorbiNews #PreMonsoonMaintenance #ElectricityIssue #MorbiUpdate