નવી નખાયેલી સ્ટ્રીટ લાઈટો માત્ર ૪ દિવસમાં બંધ : સ્થાનિક આગેવાનની મુખ્યમંત્રીને રજુઆતમોરબી: મોરબીના નેશનલ હાઈવેથી શનાળા પાસે રાજકોટ રોડને જોડતા બાયપાસ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ મામલે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રોડ રીપેર કરવા અને બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી છે, તેમજ જો કામ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.'નર્કાગાર' સમાન રોડ અને ટ્રાફિકની સમસ્યામુખ્યમંત્રીને લખેલા પત્રમાં કાન્તિલાલ બાવરવાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાયપાસ રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે. સ્થિતિ એવી છે કે 'રોડમાં ખાડા નહીં પણ ખાડામાં રોડ' હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગટરના તૂટેલા ઢાંકણા અને ઉભરાતી ગટરોને કારણે વાહનચાલકો જાણે નર્કમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ખરાબ રોડને કારણે અહીં કાયમી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.ચાર દિવસની ચાંદની, ફિર અંધેરી રાતરજૂઆતમાં વધુમાં જણાવ્યા મુજબ, આ રોડ પર થોડા દિવસો પહેલા જ નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે લાખોના ખર્ચે નખાયેલી આ લાઈટો માત્ર ચાર દિવસ ચાલી હતી અને હાલ બંધ હાલતમાં છે. જે 'ચાર દિવસની ચાંદની અને ફિર અંધેરી રાત' કહેવતને સાર્થક કરે છે.R&B અને મહાપાલિકા વચ્ચે 'ખો-ખો'ની રમતસૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે આ રોડ બાબતે રોડ-રસ્તા વિભાગ (R&B)માં રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે આ વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે. સામે પક્ષે મહાનગરપાલિકા એવું રટણ કરે છે કે આ કામ રોડ વિભાગનું છે. તંત્રના આ વાદ-વિવાદમાં મોરબીની જનતા પીસાઈ રહી છે. તેથી, આ રોડ ખરેખર કોના હસ્તક આવે છે તે નક્કી કરી તાત્કાલિક કામ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.