અગરિયા પરિવારોને વાવાઝોડામાં નુકશાન મામલે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ મારફતે રજુઆત હળવદ: 'તાઉતૈ' વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા અગરિયાઓએ કરેલી દિવસ-રાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી અગરિયા પરિવારોને રાજ્ય સરકાર સહાય આપે તે જરૂરી છે જેથી અગરિયા પરિવારો સહાય મેળવવા માટે થઇને આજે હળવદ તાલુકાના જુદા જુદા રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અગરિયા પરિવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો હતો. હળવદ, માળીયા, અને ધાંગધ્રાને અડીને આવેલ કચ્છના નાના રણમાં મીઠું પકાવી ગુજરાન ચલાવતા આગરીયા પરિવારોને તાઉતૈ વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે જેથી અગરિયા પરિવારોને સહાય મળે તે માટે થઈ અગાઉ ધારાસભ્યએ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય સહિતનાઓ રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી અગરિયાઓને કોઈપણ પ્રકારની સહાય ન મળતા આખરે અગરિયા પરિવારો દ્વારા પોસ્ટ કાર્ડ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. હળવદ તાલુકાના ટીકર, અજીતગઢ, માનગઢ, કીડી સહિતના ગામના અગરિયા પરિવાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી વાવાઝોડામાં મીઠામાં મારવાડ ધોવાણ અને સોલર સિસ્ટમ ખૂબ જ મોટું નુકસાન થતાં અગરિયા પરિવારો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે તેને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક રાહત પેકેજ અને કેશડોલ્સ આપે તે માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી અગરિયા પરિવારો પોતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.