હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગમના શિક્ષકે કોરોનાની મહામારીના કાળમાં સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરી હોવાથી અગાઉ તેમની સામે ફરજ મોકૂફીના પગલાં લેવાયા હતા. દરમિયાન તેમની વિરુદ્ધ નિમેલી તપાસ સમિતિ સમક્ષ આ શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી લીધી હોય અને આ તપાસ સમિતિની રિપોર્ટ આવી ગયા બાદ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ શિક્ષકની દાહોદ ખાતે બદલી કરી હતી.મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે આ અંગેની વિગતવાર વિગતો આપી હતી કે હળવદના ઢવાણા ગામની શાળાના આસી. શિક્ષક જીજ્ઞેશ વાઢેરએ કોરોનાના કાળમાં અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. આથી, આ બનાવમાં તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ હતી. તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગત જૂન માસના પ્રથમ તબક્કે આ શિક્ષકને ફરજ મોકૂફ કરી દીધા હતા અને તેમની વિરુદ્ધ તપાસ સમિતિ નીમવામાં આવી હતી. આ તપાસ સમિતિએ આ બનાવની ગહનતાથી તપાસ કરી હતી અને શિક્ષકે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આથી, આ બનાવની તપાસ કરીને તપાસ સમિતિએ અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમ મુજબ શિક્ષક જીજ્ઞેશ વાઢેરનો એક વર્ષનો ઇજાફોની રૂકાવટ કરીને તેમની દાહોદ જિલ્લામાં બદલી કરી નાખી છે.