સરકારી કર્મચારી અને અધિકારીઓએ દસ્તાવેજી ખરાઈ કર્યા વગર રેવન્યુ રેકોર્ડમાં નોંધો પાડી દીધી : 42 એકર જેટલી સરકારી જમીન પોતાના નામે કરી 60 લાખની લોન પણ લીધી : મુખ્ય આરોપી 11 દિવસના રિમાન્ડ ઉપરહળવદ : હળવદના બહુચર્ચિત સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ સમગ્ર મામલે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની પણ સંડોવણી ખુલી શકે છે. આ મામલે ડીવાયએસપી એસ. એચ. સારડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હળવદના મામલતદારે ફરિયાદ નોંધાવી હતી અને 9 આરોપીઓ વિરુદ્ધ બનાવટી રેકર્ડ ઉભું કરીને સરકારી જમીન આયોજનબદ્ધ રીતે ઓળવી જવાનો કારસો રચવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આ આરોપીઓએ સરકારના બનાવટી સિક્કા બનાવ્યા હતા અને ખોટા દસ્તાવેજ બનાવી ખોટી નોંધ પાડી 42 એકર જેટલી સરકારી જમીન પોતાના નામે કરીને આ જમીન ઉપર 60 લાખ જેટલી પાક ધિરાણની લોન પણ લીધી હતી.આ ઘટનામાં કુલ 9 આરોપી પૈકીના 5 આરોપીને અટક કરવામાં આવ્યા છે. આ કામના મુખ્ય આરોપી રમેશ બાબાભાઈ સાકરીયા (રહે, હળવદ)ની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી રમેશ સાકરીયાએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. આ કામના અન્ય આરોપી રમેશભાઈના માતા મંજુબેન 2018માં અવસાન પામ્યા છે.આરોપીએ રેકર્ડમાં ચેડચાડ કરીને યુક્તિ પૂર્વક રેવન્યૂ રેકર્ડ મેઈન્ટેન કરતી કચેરીઓમાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કર્યા છે. આ તમામ હુકમોની નોંધ પણ પડાવી હતી. જેમાં અમુક કક્ષાએ તલાટી મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને રેવન્યૂ રેકર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજની ખરાઈ કર્યા વગર નોંધ પાડી હોવાનું આરોપીની પુછપરછમાં જણાયું છે. જેથી આ ષડયંત્રમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી ખુલી શકે છે.